કોલકાતા એરપોર્ટ પર શિલોંગ જતી ઇન્ડિગો ફ્લાઇટ 6E 7304 ના ટોયલેટમાંથી બોમ્બની ધમકીવાળી એક હાથથી લખેલી નોટ મળી આવી હતી. સુરક્ષા એજન્સીઓએ વિમાનની સઘન તપાસ શરૂ કરી પરંતુ અત્યાર સુધીમાં કંઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.

શનિવારે સવારે કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર શિલોંગ જતી ઇન્ડિગોની ફ્લાઇટ 6E 7304 માં બોમ્બ હોવાની ધમકી મળ્યા બાદ હોબાળો મચી ગયો હતો. મુસાફરો વિમાનમાં ચઢે એ પહેલા ટોયલેયમાંથી એક હાથથી લખેલી નોંધ મળી આવી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે બોર્ડમાં બોમ્બ છે.
વિમાનને આઇસોલેશન બેમાં મોકલવામાં આવ્યું હતું
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) ના જણાવ્યા અનુસાર સવારે એક ક્રૂ મેમ્બર દ્વારા આ નોટ ધ્યાનમાં આવી હતી, જેના પગલે સુરક્ષા એજન્સીઓને તાત્કાલિક એલર્ટ કરવામાં આવી હતી. સાવચેતી રૂપે વિમાનને આઇસોલેશન બેમાં ખસેડવામાં આવ્યું હતું અને માનક સંચાલન પ્રક્રિયાઓ અનુસાર તમામ સુરક્ષા પગલાં લેવામાં આવ્યા હતા.
અધિકારીઓએ જણાવ્યું હતું કે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને સુરક્ષા એજન્સીઓ વિમાનની સંપૂર્ણ તપાસ કરી રહી છે. અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. હાલમાં સુરક્ષા તપાસ ચાલી રહી છે, અને મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી સાવચેતી રાખવામાં આવી રહી છે.
બોમ્બ ધમકીઓ ચાલુ જ છે
દેશમાં સ્થાનિક ફ્લાઇટ્સમાં બોમ્બ ધમકીઓના વારંવાર અહેવાલો આવ્યા છે. 18 જાન્યુઆરીએ દિલ્હીથી બાગડોગરા જતી ઇન્ડિગો ફ્લાઇટમાં ટીશ્યુ પેપર પર લખેલી બોમ્બ ધમકીની નોટ મળી આવી હતી, જેના પગલે સાવચેતી રૂપે ફ્લાઇટને લખનૌ વાળવામાં આવી હતી.
ત્યારબાદ દિલ્હીથી પુણે જતી ઇન્ડિગો ફ્લાઇટ 6E 2608 ના ટોઇલેટમાંથી એક હાથથી લખેલી ચિઠ્ઠી મળી આવી, જેમાં બોમ્બ હોવાનો વાત કરવામાં આવી હતી. આ ચિઠ્ઠીએ ફ્લાઇટમાં હંગામો મચાવ્યો હતો ત્યારબાદ વિમાન પુણે એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યું હતું અને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે સંપૂર્ણ તપાસ અને નિરીક્ષણ પછી બોર્ડ પર કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી અને ધમકી એક છેતરપિંડી સાબિત થઈ હતી.




