અમદાવાદ: હરણી લેક દુર્ઘટના કેસમાં ગુજરાત હાઇકોર્ટે મહાનગરપાલિકાના બે તત્કાલિન કમિશનરોને જવાબદાર ઠેરવ્યા છે અને સરકારને આ 2 અધિકારીઓ સામે કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે. બંને અધિકારી વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવા સરકારને સૂચના આપી છે. હાઈકોર્ટે વિનોદ રાવ અને એસ.એચ.પટેલ સામે કાર્યવાહી કરવા માટે સરકારને આદેશ આપ્યા છે. સાથે જ સ્થાયી સમિતી અને ઠરાવ પાસ કરનારા તમામ કાઉન્સિલરને પણ જવાબદાર ઠેરવ્યા છે.
વડોદરા હરણીકાંડમાં ગુજરાતના શિક્ષણ સચિવ વિનોદ રાવ કે જેઓ ત્યારે વડોદરા મ્યુનિસિપલ કમિશ્નર હતા અને નિવૃત્ત મ્યુનિસિપલ કમિશનર એચ. એસ. પટેલ સામે પગલાં લેવા હાઇકોર્ટે તાકીદ કરી છે. પ્રાથમિક તારણમાં હરણીકાંડની કંપનીને પ્રોજેક્ટની ખોટી રીતે મંજૂરી અપાઈ હોવાનું સામે આવ્યું છે. વડોદરામાં હરણીકાંડમાં માસૂમ બાળકોનો જીવ લેનાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીના આદેશ કરાયા છે. સમગ્ર કાંડમાં હાઇકોર્ટે નોંધ્યું છે કે જે-તે સમયના મ.ન.પા. કમિશનર જ આ કાંડમાં જવાબદાર છે અને બંને સામે કડક કાર્યવાહી કરવામાં આવે. તેમણે તેમની જવાબદારી સરખી રીતે નિભાવી નથી અને પોતાની સત્તાનો ગેરઉપયોગ કર્યો છે. કોટીયા પ્રોજેક્ટસ કોઇપણ સંજોગોમાં યોગ્ય બિડર ન કહેવાય. ફેક્ટ ફાઇન્ડીંગ કમિટીના રિપોર્ટમાં તમામ વિગતો સામે આવતા કોર્ટે કાર્યવાહીના આદેશ કર્યા છે. જો કે હવે જોવાનું એ છે કે સરકાર આ બંન્ને અધિકારી સામે કેવાં પ્રકારના પગલાં લે છે.