ઇન્દોરમાં ઓસ્ટ્રેલિયાની બે મહિલા ક્રિકેટરો સાથે ગેરવર્તણૂકઃ આરોપીની ધરપકડ

ઇન્દોરઃ દેશમાં ICC મહિલા વર્લ્ડ કપ 2025નું આયોજન થઈ રહ્યું છે, જેમાં આઠ ટીમો ભાગ લઈ રહી છે. 30 સપ્ટેમ્બરથી ટુર્નામેન્ટનો પ્રારંભ થયો હતો અને હવે તે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. આ ટુર્નામેન્ટની 26મી મેચ 25 ઓક્ટોબરે ઇન્દોરમાં રમાવાની છે, જેમાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાનો સામનો થશે, પરંતુ આ મેચ પહેલાં ઇન્દોરમાં ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમની બે ખેલાડીઓ સાથે એક બાઇકસવાર યુવાને દુર્વ્યવહાર કર્યો હતો.

તેની પર આરોપ છે કે તેણે ખેલાડીઓનો પીછો કર્યો અને તેમમાંથી એક ખેલાડી સાથે અશોભનીય વર્તન કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

બાઇકસવારે કરી અયોગ્ય હરકત

આ ઘટના 23 ઓક્ટોબરની સવારે ખજરાના રોડ વિસ્તારમાં બની હતી. પોલીસના જણાવ્યા મુજબ બંને ખેલાડીઓ પોતાની હોટેલમાંથી કેફે તરફ જઈ રહી હતી, ત્યારે એક બાઇકસવાર વ્યક્તિ તેમનો પીછો કરવા લાગી. સબ ઇન્સ્પેક્ટર નિધિ રઘુવંશીએ જણાવ્યું હતું કે યુવાન ખેલાડીઓની નજીક આવ્યો અને એક ખેલાડીને અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો, ત્યાર બાદ ત્યાંથી તે ભાગી ગયો હતો.

આ ઘટના બાદ બંને ખેલાડીઓએ તરત જ પોતાની ટીમના સુરક્ષા અધિકારી ડેની સિમન્સનો સંપર્ક કર્યો હતો તેમણે સ્થાનિક સુરક્ષા અધિકારીઓ સાથે સંકલન કરીને મદદ માટે વાહન મોકલાવ્યું હતું. માહિતી મળતાં જ આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ હિમાની મિશ્રા સ્થળ પર પહોંચી અને બંને ખેલાડીઓનાં નિવેદન લીધાં ત્યાર બાદ MIG સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 74 અને 78 (પીછો કરવો) હેઠળ ફરિયાદ નોંધાઈ હતી.

પોલીસે આરોપીની ધરપકડ કરી

આ મામલામાં આરોપીની ઓળખ એક રાહદારે કરી હતી, જેણે સાવચેતીપૂર્વક આરોપીની બાઇકનો નંબર નોંધ્યો હતો. આ આધારે પોલીસે અકીલ ખાન નામના આરોપીની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ ખાન પર અગાઉથી પણ ગુનાહિત કેસ નોંધાયેલા છે અને હવે ઘટનાની તપાસ ચાલી રહી છે. આ બનાવે શહેરની સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે, ખાસ કરીને ત્યારે જ્યારે ઇન્દોર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યું છે.