મુંબઈમાં ભારે વરસાદને પગલે ટ્રેનો, ફ્લાઇટ્સ પ્રભાવિત

મુંબઈઃ શહેરમાં છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલા મુશળધાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. રસ્તાઓ જાણે તળાવમાં ફેરવાઈ ગયા છે. રસ્તાઓ પર ઊભેલી ગાડીઓની છત તળાવમાંથી દેખાતા ટાપુ જેવી લાગી રહી છે. ઘણી જગ્યાએ એટલું પાણી ભરાઈ ગયું છે કે ગાડીઓ હોડીની જેમ તરતી જોવા મળી રહી છે. લોકોને રસ્તા પર ભરાયેલાં ગંદાં પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. વ્યવસ્થા સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઈ ગઈ છે.

મુંબઈના માનખુર્દ સ્ટેશન રોડ પર પાણી ભરાઈ જતાં રસ્તો સંપૂર્ણપણે જળમગ્ન થઈ ગયો છે. રસ્તા પર પાણી ભરાઈ જવાથી લોકોને સ્ટેશન સુધી પહોંચવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. BMCના કર્મચારીઓ ક્યાંય નજરે પડ્યા નથી અને ન જળનિકાલ માટે વોટર પંપ મૂકવામાં આવ્યા છે.  શહેરમાં ખરાબ મોસમને લીધે અનેક ફ્લાઇટ્સને અસર થઈ છે. આ સાથે ટ્રેનો પણ મોડી ચાલી રહી છે અથવા રદ કરવામાં આવી છે આ સાથે લોકલ ટ્રેનો પણ ઠપ પડી છે કાં મોડી ચાલી રહી છે.

દહિસર-પૂર્વમાં આનંદનગર મેટ્રો સ્ટેશન નીચે લિંક રોડ પર ઘૂંટણ સુધી પાણી ભરાયાં છે. તેને કારણે અહીંથી આવનજાવન કરતા વાહનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા પર ભરાયેલાં પાણીમાં બાઈકો બંધ થઈ રહી છે. લોકો ધક્કો મારીને કોઈ રીતે બાઈકોને બહાર કાઢતા જોવા મળી રહ્યા છે.

મુંબઈમાં સતત વરસાદને કારણે સરકારી અને અર્ધસરકારી કચેરીઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. તેના સિવાય ખાનગી કચેરીઓને પણ વર્ક ફ્રોમ હોમ કરવાની સૂચના આપવામાં આવી છે. ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને મુંબઈના સ્કૂલ–કોલેજોમાં પણ રજા જાહેર કરવામાં આવી છે.