ખડગપુર: અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ અદાણી-IIT પ્લેટિનમ જ્યુબિલી ચેન્જ મેકર્સ ફેલોશિપ શરૂ કરવાની જાહેરાત કરી છે. દેશની તમામ IITs માં આ એક ગ્રાઉન્ડબ્રેકિંગ પહેલ છે, જેનો ઉદ્દેશ દેશના સૌથી મહત્વપૂર્ણ પડકારોનો સામનો કરવા ટોચની ભારતીય પ્રતિભાઓને એકત્રિત કરવાનો છે.
સોમવારે IIT ખડગપુરના પ્લેટિનમ જ્યુબિલી સમારોહના પ્રેરક ભાષણમાં ગૌતમ અદાણીએ ભારતની યુવા પેઢીને “બીજી પેઢીના સ્વતંત્રતા સંગ્રામ”માં ઉતરવાનું આહવાન કર્યું હતું. આ સંગ્રામ કોઈ સરકાર સામે નહીં પરંતુ વિદેશી ટેકનોલોજી અને વિદેશી ડેટા પર નિર્ભરતા સામેનું આહવાન હતું. તેમણે વિદ્યાર્થીઓને નવીનતા અને રાષ્ટ્રનિર્માણ પર ભાર મૂકવા આગ્રહ કર્યો હતો.
ભારતની પ્રતિભાને સશક્ત બનાવવા માટે અદાણીએ IIT ચેન્જ મેકર્સ ફેલોશિપનું અનાવરણ પણ કર્યું હતું. IIT ખડગપુર સંકલિત આ ફેલોશિપ શિક્ષણ અને ઉદ્યોગને એક કરવા માળખાગત પ્લેટફોર્મ પ્રદાન કરશે. ગૌતમ અદાણીએ નવીનીકરણીય ઊર્જા, બંદરો અને લોજિસ્ટિક્સ, અને એરપોર્ટ અને સ્માર્ટ મોબિલિટીમાં “જીવંત પ્રયોગશાળાઓ”થી શરૂઆત કરવા એવી યોજનાઓની રૂપરેખા આપી હતી, જે વિદ્યાર્થીઓને AI-સંચાલિત ગ્રીડ ટૂલ્સ, મશીન-લર્નિંગ લોજિસ્ટિક્સ અને ઈન્ટેલિજન્ટ એરપોર્ટ સિસ્ટમ્સ વિકસાવવાની તકો પૂરી પાડશે.
ભારતના ભાવિ ઘડવૈયાઓ અને મહાનુભાવોથી ભરચક ઓડિટોરિયમમાં અદાણીએ જણાવ્યું હતું કે ભારત 1947થી સ્વતંત્ર હોવા છતાં સેમિકન્ડક્ટર, તેલ, સંરક્ષણ હાર્ડવેર અને વિદેશી ડેટા સિસ્ટમ્સ પર નિર્ભરતાને કારણે ભારે સંવેદનશીલ રહે છે. આજનાં યુદ્ધો સર્વર ફાર્મ્સમાં લડવામાં આવે છે, જેમાં શસ્ત્રો તરીકે અલ્ગોરિધમ્સ હોય છે અને ડેટા સેન્ટરો, સામ્રાજ્યો નહીં, સત્તા ધરાવે છે.
At @IITKgp today, I witnessed the future of Bharat – brimming with confidence, courage and patriotism. The packed hall, unstoppable energy and non-stop cheers will always stay with me. On this historic occasion of IIT KGP’s Platinum Jubilee, it was inspiring to see how our young… pic.twitter.com/H58m1R1M3C
— Gautam Adani (@gautam_adani) August 18, 2025
દેશની ચાર મહત્વપૂર્ણ નબળાઈઓ ગણાવતા તેમણે કહ્યું હતું કે ભારત 90 ટકા સેમિકન્ડક્ટર, 85 ટકા તેલ, મોટા ભાગના લશ્કરી હાર્ડવેરની આયાત કરે છે. આપણો રાષ્ટ્રીય ડેટા વિદેશની સંપત્તિ બની રહ્યો છે. આવી પ્રથાઓ વિદેશી સંપત્તિ અને વર્ચસ્વને પ્રોત્સાહન આપે છે. ભવિષ્યમાં કોર્પોરેશનોનો પ્રભાવ રાષ્ટ્રો કરતાં વધુ હશે તેવી આગાહી કરતાં તેમણે ભારતને નવીનતા પર ધ્યાન કેન્દ્રિત કરવા અપીલ કરી. તેમણે ઝડપી ટેકનોલોજિકલ પ્રગતિ વચ્ચે શૈક્ષણિક સંસ્થાઓની પુનઃકલ્પનાનું પણ આહવાન કર્યું હતું અને સિલિકોન વેલી જેવા મોડેલોમાં મજબૂત ઉદ્યોગ-શૈક્ષણિક ભાગીદારીની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો.
અદાણીએ તે વાત પર પણ ભાર મૂક્યો કે યુનિવર્સિટીઓએ સંશોધનનું નેતૃત્વ કરવું જોઈએ અને કોર્પોરેશનોએ અમલીકરણ કરવો જોઈએ. ઉદ્યોગસાહસિક યાત્રાના અનુભવ પરથી તેમણે વિદ્યાર્થીઓને જોખમ લેવા અને ૨૦૫૦ સુધીમાં ભારતની ૨૫ ટ્રિલિયન ડોલરના અર્થતંત્રમાં યોગદાન આપવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને કારકિર્દીના નિર્ણયોમાં પગાર કરતાં વારસાને વધુ પ્રાથમિકતા આપવા વિનંતી કરી હતી. 
તેમણે યુવાધનને “ભારતના નવા સ્વતંત્રતા સેનાનીઓ” ગણાવતાં તેમને આરામ કરતાં વારસો પસંદ કરવા અને મહત્ત્વાકાંક્ષા અને સર્જનાત્મક વિચારો થકી સાર્વભૌમ, નવીન રાષ્ટ્રના નિર્માણમાં સહયોગ કરવા અપીલ કરી હતી. તેમણે સમાપનમાં જણાવ્યુ હતું કે તમારી જાતને એટલી મજબૂત બનાવો કે કોઈ ભય તમને જકડી ન શકે. આપણું નવુ ભારત તમારી રાહ જોઈ રહ્યું છે.


