ટ્રમ્પની પાર્ટીનાં નેતાએ મુસ્લિમોનો ધાર્મિક ગ્રંથને સળગાવ્યો

વોશિંગ્ટનઃ અમેરિકાના ટેક્સાસથી રિપબ્લિકન પાર્ટીની કોંગ્રેસનાં ઉમેદવાર વેલેન્ટિના ગોમેઝે ફરી એક વાર વિવાદ ઊભો કર્યો છે. તાજેતરમાં તેમણે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X  પર એક વિડિયો શેર કર્યો હતો, જેમાં તેઓ મુસ્લિમોના ધાર્મિક ગ્રંથને સળગાવતા નજર ચઢે છે. આ વિડિયોની કેપ્શનમાં તેમણે લખ્યું હતું કે તેઓ ટેક્સાસમાંથી ઇસ્લામને સમાપ્ત કરશે. આ ઘટનાના તરત બાદ વિડિયો વાયરલ થઈ ગયો અને ગોમેઝને ઓનલાઇન યુઝર્સ, મુસ્લિમ સંસ્થાઓ અને અનેક રાજકીય નેતાઓની કઠોર ટીકા સહન કરવી પડી.

જોકે આ પહેલી વાર નથી કે ગોમેઝ વિવાદોમાં આવી હોય. મે, 2024માં તેમણે ટેક્સાસ મુસ્લિમ કેપિટલ ડે દરમિયાન મંચ પર ઘૂસી જઈ ઇસ્લામવિરોધી ભાષણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ટેક્સાસમાં ઇસ્લામની કોઈ જગ્યા નથી અને પોતાને ઈશ્વરથી ડરતી એકમાત્ર નેતા ગણાવી હતી. આ પહેલાં પણ તેઓ પ્રવાસીઓની નકલી ફાંસી બતાવતાં વિડિયો, LGBTQ+ સાહિત્ય સળગાવવા બદલ અને ટ્રાન્સજેન્ડર સમુદાય પર નિશાન સાધવાને કારણે ચર્ચામાં રહી ચૂકી છે.

કોણ છે વેલેન્ટિના ગોમેઝ?

વેલેન્ટિના ગોમેઝનો જન્મ 8 મે, 1999એ અમેરિકાના મેડેલિન, કોલમ્બિયામાં થયો હતો. તેમણે કારકિર્દીની શરૂઆત રિયલ એસ્ટેટ રોકાણકાર તરીકે કરી હતી. જોકે 2024માં તેઓ મિસૌરી સચિવાલયની ચૂંટણી લડી હતી, પરંતુ હારી ગયા હતા. તેઓ પોતાને કટ્ટર દક્ષિણપંથી કહે છે અને તેમણે વિવાદાસ્પદ કન્ટેન્ટ દ્વારા જ સોશિયલ મિડિયામાં ઓળખ બનાવી છે.

 સોશિયલ મિડિયા પર પ્રતિક્રિયા

ગોમેઝના ધાર્મિક ગ્રંથ સળગાવવાના વિડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સે કોમેન્ટ કર્યું. એક યુઝરે લખ્યું કે આ રાજકારણ નહીં, પરંતુ ઉશ્કેરણીની કાર્યવાહી છે. ગોમેઝે પોતાના બચાવમાં કહ્યું હતું કે તમે એ ધર્મ સાથે શાંતિ કરી શકતા નથી, જેણે પહેલેથી જ તમારા પર યુદ્ધ જાહેર કર્યું છે.