નવી દિલ્હીઃ દિલ્હી NCR અને આસપાસનાં રાજ્યોમાં વધી રહેલા પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે કે GRAP-3 લાગુ થયા પછી કામ બંધ થવાને કારણે બેરોજગાર બનેલા તમામ કન્સ્ટ્રક્શન વર્કરોને જીવનનિર્વાહ ભત્તું આપવામાં આવે.
આ આદેશ દિલ્હી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાન સરકારો પર લાગુ થશે, કારણ કે આ રાજ્યોમાં હાલ બાંધકામની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ છે.
CJIની અધ્યક્ષતા ધરાવતી બેન્ચે એ પણ સૂચના આપી કે તમામ રાજ્ય સરકારો પ્રદૂષણ ઘટાડવા માટેનાં પ્રતિબંધાત્મક પગલાં ગંભીરતાપૂર્વક અમલમાં મૂકે અને તેની નિયમિત સમીક્ષા સુનિશ્ચિત કરે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે એર પોલ્યુશન સંબંધિત કેસની સુનાવણી દર મહિને થશે જેથી સ્થિતિ પર સતત નજર રાખી શકાય. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે હવાની ગુણવત્તા ખરાબ કરતી કોઈ પણ બાબતને રોકવા માટે લેવાયેલું દરેક પગલું સ્વાગતયોગ્ય છે, પરંતુ નિર્ણય લેતી વખતે તમામ પાસાં અને તમામ હિતધારકોનું ધ્યાન રાખવું આવશ્યક છે.
દિલ્હીની હવા ફરી એક વખત ખતરનાક સ્તરે પહોંચી ગઈ છે. બુધવારે સવારે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ના આંકડાઓએ રાજધાનીની શ્વાસ રોકી દે તેવી સ્થિતિને ઉજાગર કરી. મંગળવારે જ્યાં દિલ્હીનો કુલ AQI 341 હતો, ત્યાં આજે તે ઊછળીને 386 સુધી પહોંચી ગયો અને હવા ‘બહું ખરાબ’ શ્રેણીમાં પહોંચી ગઈ.
સૌથી ચિંતાજનક વાત એ છે કે દિલ્હી–NCRના 39 મોનિટરિંગ સ્ટેશનોમાંથી 16 સ્ટેશને 400થી વધુ AQI નોંધાવ્યો, જેને ‘ગંભીર’ એટલે કે જાનલેવા કેટેગરી માનવામાં આવે છે.વઝીરપુર સૌથી પ્રદૂષિત સ્થળ રહ્યું જ્યાં AQI 446 સુધી પહોંચ્યો. ત્યાર બાદ ભવાનીમાં 444 અને જહાંગીરપુરીમાં 442નો ‘ગંભીર’ સ્તર નોંધાયો. ચાંદની ચોક, અશોક વિહાર, DTU અને વિવેક વિહાર જેવા વિસ્તારોમાં પણ AQI 430થી વધુ રહ્યો, જે સ્પષ્ટ દર્શાવે છે કે રાજધાનીની હવામાં સતત ઝેર ફેલાઈ રહ્યું છે.


