નવી દિલ્હીઃ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ “વોટ ચોરી”ના આરોપો બાદ હવે તેની સામે અવાજ ઊઠવા લાગ્યા છે. 272 પ્રબુદ્ધ નાગરિકોએ આ મુદ્દે ખુલ્લો પત્ર લખ્યો છે, તેમાં 16 ભૂતપૂર્વ જજો, 14 ભૂતપૂર્વ એમ્બેસેડરોએ, 123 નિવૃત્ત બ્યુરોક્રેટ્સ અને 133 નિવૃત્ત સશસ્ત્ર દળોના અધિકારીઓનો સમાવેશ થાય છે. આ પ્રબુદ્ધ નાગરિકોએ ખુલ્લો પત્ર લખીને રાહુલ ગાંધી અને કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચ જેવી બંધારણીય સંસ્થાઓને બદનામ કરવાની કોશિશોની નિંદા કરી છે.
આ ખુલ્લા પત્રમાં કહેવામાં આવ્યું છે કે અમે સિવિલ સોસાયટીના વરિષ્ઠ નાગરિકો છીએ અને દેશની લોકશાહીની ઉપર થતા હુમલાઓને લઈને અત્યંત ચિંતિત છીએ. તેની મૂળભૂત બંધારણીય સંસ્થાઓને સતત નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. કેટલાક રાજકારણીઓ વાસ્તવિક રાજકીય વિકલ્પ આપવાને બદલે ભડકાઉ અને તથ્યવિહોણા આરોપો દ્વારા પોતાની રાજકીય વ્યૂહરચના આગળ ધપાવી રહ્યા છે.

ગ્રુપે પોતાના ખુલ્લા પત્રમાં કહ્યું છે કે આ આરોપો રાજકીય નિરાશાને સંસ્થાકીય સંકટની આડમાં છુપાવવાનો પ્રયાસ છે. આ પત્રમાં વધુમાં લખ્યું છે કે ભારતીય સશસ્ત્ર દળોની વીરતા અને સિદ્ધિઓ પર પ્રશ્નો ઉઠાવી તેમના માન-સન્માનને કલંકિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ન્યાયપાલિકાની નિષ્પક્ષતા, સંસદ તેમ જ તેના બંધારણીય પદાધિકારીઓ પર સવાલ ઊભા કરીને તેમની છબિ ખરાબ કરવાની કોશિશ કરવામાં આવી છે. હવે ભારતના ચૂંટણી પંચનો વારો આવ્યો છે, જે પોતાની ઈમાનદારી અને પ્રતિષ્ઠા પર થઈ રહેલા વ્યવસ્થિત અને ષડયંત્રકારી હુમલાઓનો સામનો કરી રહ્યું છે.




