અમદાવાદ: 3 ડિસેમ્બર એટલે વિશ્વ વિકલાંગ દિવસ. આ દિવસે દિવ્યાંગજનોના શિક્ષણ, પુનઃર્વસન, સહ સ્વરોજગાર ક્ષેત્રે હુન્નર કેળવીને આર્થિક રીતે પગભર કરવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે. જેથી તેઓ પોતોનો જીવન નિર્વાહ જાતે ચલાવીને પરિવાર તેમજ સમાજને ઉપયોગી બની શકે.અમદાવાદ સ્થિત અંધજન મંડળ ખાતે આજ રોજ વાઘબકરી ફાઉન્ડેશનના સૌજન્યથી એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ. જેમાં દિવ્યાંગજનો સ્વમાનભેર જીવન વ્યતિત કરી શકે તે માટે અમદાવાદ, ખેડા અને મહિસાગર જિલ્લાના 25 લોકોને નાના સ્ટોલનું વિતરણ કરવામાં આવ્યું. લાભાર્થીઓને તેમની આજીવિકા વધારવા માટે જંગમ નાની દુકાનો અને સંબંધિત કીટ આપવામાં આવી હતી. તેમના વ્યવસાયને અસરકારક રીતે ચલાવવા માટે તાલીમ પણ આપવામાં આવી હતી. BPA (બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન) લાભાર્થીઓને વ્યવસાયમાં સફળ બનાવવા માટે આગામી ત્રણ વર્ષ સુધી હેન્ડ-હોલ્ડિંગ સપોર્ટ પ્રદાન કરશે.
આ પ્રસંગે વાઘ બકરી ટી ગ્રૂપના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પારસ દેસાઈ, ડિરેક્ટર્સ વિદિશા દેસાઈ, માલવી દેસાઈ અને પ્રિયમ પરીખ, સીઈઓ સંજય સિંગલ સહિતના વરિષ્ઠ મેનેજમેન્ટ અને BPAના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. ભૂષણ પુનાની હાજર રહ્યાં હતા.