વર્લ્ડ કપ-2023: ટીમ ઈન્ડિયાને કેવી રીતે હરાવવી? ગિલક્રિસ્ટે બતાવ્યો ‘માસ્ટર પ્લાન’

સિડનીઃ વર્તમાન ક્રિકેટ વર્લ્ડ કપ-2023માં ભારતીય ટીમ પોઈન્ટ્સ ટેબલમાં નંબર-1 પ્રાપ્ત કરીને ધમાકેદાર રીતે સેમી ફાઈનલમાં પહોંચી ગઈ છે. રોહિત શર્માના નેતૃત્ત્વ હેઠળની ભારતીય ટીમે હજી સુધી એકેય મેચ ગુમાવી નથી. તમામ આઠ લીગ મેચ જીતી બતાવી છે. છેલ્લી લીગ મેચ 15મીના રવિવારે નેધરલેન્ડ્સ સામે રમશે. ભારતીય બેટર્સના ધરખમ દેખાવ અને કાતિલ બોલરોના તરખાટ સામે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, પાકિસ્તાન, સાઉથ આફ્રિકા જેવી શક્તિશાળી ટીમ હારી ચૂકી છે.

ભારતીય ટીમની વિજયકૂચને કેવી રીતે રોકવી એ વિશે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિકેટકીપર-બેટર એડમ ગિલક્રિસ્ટે એક યોજના જણાવી છે. તે ઉપરાંત એણે ચાર ખેલાડીના નામ પણ જણાવ્યા છે જેની તરફથી હરીફ ખેલાડીઓને સૌથી વધારે જોખમ રહેશે.

‘ફોક્સ ક્રિકેટ’ સાથેની વાતચીતમાં, ગિલક્રિસ્ટે કહ્યું કે, આ વખતની વર્લ્ડ કપમાં ભારતીય ટીમની બેટિંગ અને બોલિંગ, બંને ખૂબ જ જબરદસ્ત રહી છે. આ ટીમ લક્ષ્યાંકને ચેઝ કરવામાં બાકીની ટીમો કરતાં ચડિયાતી સાબિત થઈ છે. ટીમમાં વિરાટ કોહલી જેવો તગડો બેટર છે જેને ચેઝ કરતા બહુ સરસ આવડે છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમને હરાવવી હોય તો હરીફ ટીમે ટીમ ઈન્ડિયાને પહેલા બેટિંગ કરવાનું કહેવું જોઈએ. કારણ કે, મોહમ્મદ શામી, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ જેવા ફાસ્ટ બોલરો સામે દિવસની સરખામણીમાં રાતના રમવું હરીફ બેટર્સ માટે થોડુંક આસાન રહેશે.