દુબઈઃ પોતાના કાંડાની કરામત વડે ભારતને અન્ડર-19 વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચાડનાર લેગસ્પિનર રવિ બિશ્નોઈ હવે આઈપીએલ-13 મોસમમાં કિંગ્સ ઈલેવન પંજાબ ટીમ વતી રમવા સજ્જ થઈ ગયો છે. આ સ્પર્ધા 19 સપ્ટેમ્બરથી સંયુક્ત આરબ અમિરાત (યૂએઈ)માં શરૂ થઈ રહી છે.
બિશ્નોઈએ કહ્યું છે કે અનિલ કુંબલે એનાં આદર્શ રહ્યા છે. એમની પાસેથી બની શકે એટલું શીખવાનો તે પ્રયત્ન કરી રહ્યો છે.
કુંબલે પંજાબ ટીમના હેડ કોચ છે.
દુબઈથી એક મુલાકાતમાં બિશ્નોઈએ કહ્યું કે કુંબલે દુનિયાના મહાનતમ સ્પિનરોમાંના એક છે. એટલે હું એમની પાસેથી અને એમના અનુભવમાંથી ઘણું શીખી રહ્યો છું. પછી એ મેચ ટેમ્પરામેન્ટ હોય, સ્પિન કૌશલ્ય હોય, મેચની પરિસ્થિતિને કેવી રીતે સંભાળવાની વાત હોય, ફ્લિપર્સ કેવી રીતે નાખવા જોઈએ – એ બધું જ હું એમની પાસેથી શીખી રહ્યો છું. અત્યારે મને એ શીખવાનો સમય અને શ્રેષ્ઠ તક મળ્યા છે.
અન્ડર-19 વર્લ્ડ કપની છ મેચમાં બિશ્નોઈએ 17 વિકેટ ઝડપી હતી.
બિશ્નોઈએ પંજાબ ટીમના કેપ્ટન કે.એલ. રાહુલની પણ પ્રશંસા કરી છે. રાહુલ આ પહેલી જ વાર પંજાબ ટીમનું નેતૃત્ત્વ સંભાળી રહ્યો છે.
આઈપીએલ-2020માં કિંગ્સ ઈલેવન પંજાબની પહેલી મેચ 20 સપ્ટેમ્બરે દિલ્હી કેપિટલ્સ સામે છે.