IPL-2020નો કાર્યક્રમ જાહેરઃ પ્રારંભિક મેચમાં મુંબઈ-ચેન્નાઈ વચ્ચે મુકાબલો

દુબઈઃ 19મી સપ્ટેમ્બરથી સંયુક્ત આરબ અમિરાત (યૂએઈ)માં શરૂ થનાર ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) સ્પર્ધાની 13મી આવૃત્તિનો લીગ તબક્કાની મેચોનો કાર્યક્રમ આજે જાહેર કરવામાં આવ્યો છે. પ્રારંભિક મેચમાં ગયા વર્ષની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે થશે. આ મેચ અબુધાબીમાં રમાશે.

કોરોના વાઈરસ રોગચાળો ફેલાવાને કારણે આ સ્પર્ધાનું આયોજન આ વખતે ભારતમાં કરવામાં નથી આવ્યું અને યૂએઈના દુબઈ, અબુધાબી અને શારજાહમાં મેચો રમાશે.

પ્રારંભિક મેચ મૂળ કાર્યક્રમ અનુસાર 29 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાવાની હતી, પરંતુ કોરોના બીમારી અને એને કારણે લાગુ કરાયેલા દેશવ્યાપી લોકડાઉનને કારણે સ્પર્ધાને અચોક્કસ મુદત સુધી મુલતવી રાખવામાં આવી હતી.

દુબઈમાં પહેલી મેચ રવિવારે રમાશે. જેમાં દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે મુકાબલો થશે. સોમવારે ત્રીજી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે ટક્કર થશે.

દિવસમાં જ્યારે બે મેચ રમાશે ત્યારે બપોરની મેચ સ્થાનિક સમય મુજબ 2 વાગ્યે (ભારતીય સમય મુજબ 3.30 વાગ્યે) રમાશે. સાંજની મેચ સ્થાનિક સમય મુજબ 6 વાગ્યે (ભારતીય સમય મુજબ 7.30 વાગ્યે) રમાશે.

શારજાહમાં પહેલી મેચ 22 સપ્ટેમ્બરે રમાશે જેમાં રાજસ્થાન રોયલ્સનો સામનો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થશે. કોલકાતા રાઈડર્સ તેની પહેલી મેચ 23 સપ્ટેમ્બરે અબુધાબીમાં રમશે જેની સામે હશે મુંબઈ ઈન્ડિયન્સ.

10 મેચો ડબલ-હેડર્સ હશે, એટલે કે દિવસમાં બે મેચ રમાશે.

દુબઈમાં 24 મેચો રમાશે જ્યારે અબુધાબીમાં 20 અને શારજાહમાં 12 મેચ રમાશે.