હરભજનસિંહ પણ અંગત કારણોસર આઈપીએલ-2020માંથી ખસી ગયો

ચંડીગઢઃ ભારતનો અનુભવી ઓફ્ફ સ્પિનર અને ઈન્ડિયન પ્રીમિયર લીગ સ્પર્ધામાં ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ વતી રમતો હરભજન સિંહ આ વર્ષની આઈપીએલમાંથી ખસી ગયો છે. અંગત કારણોસર પોતે સ્પર્ધામાંથી ખસી ગયો હોવાનું એણે કહ્યું છે.

હરભજન સિંહનો આવો નિર્ણય આવે એવી ધારણા હતી જ, કારણ કે એ યૂએઈ પહોંચી ગયેલી ટીમ સાથે હજી સુધી જોડાયો નહોતો.

હરભજન સિંહે સમાચાર સંસ્થા પીટીઆઈને જણાવ્યું છે કે, ‘હું અંગત કારણોસર આઈપીએલ-2020માંથી ખસી ગયો છું.’

મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્ત્વવાળી ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમને સ્પર્ધાના આરંભ પૂર્વે આ બીજો મોટો આંચકો લાગ્યો છે. આ પહેલાં એનો ધરખમ ઓલરાઉન્ડર સુરેશ રૈના પરિવાર પર આવી પડેલી એક મુશ્કેલીને કારણે સ્પર્ધામાંથી ખસી ગયો છે. એ ટીમની સાથે યૂએઈ પહોંચ્યો હતો, પરંતુ ત્યારબાદ પંજાબના પઠાણકોટમાં લૂંટારુઓએ કરેલા હુમલામાં એના કાકા તથા એક પિતરાઈ ભાઈનું મૃત્યુ થતાં એ તાબડતોબ સ્વદેશ પાછો ફર્યો છે.

યૂએઈના દુબઈ, અબુધાબી અને શારજાહમાં આઈપીએલ-13 સ્પર્ધા આવતી 19 સપ્ટેમ્બરથી શરૂ થવાની છે અને 10 નવેમ્બરે ફાઈનલ રમાશે.