યૂએઈમાં BCCIના મેડિકલ ઓફિસરને જ કોરોના થયો

દુબઈઃ UAEમાં ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)ની મેડિકલ ટીમના સભ્યનો કોવિડ-19નો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે, એમ બોર્ડનાં સૂત્રોએ માહિતી આપી હતી. UAEમાં પહોંચ્યાના થોડાક દિવસો પછી 13 સભ્યોના કોવિડ-19ના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. વળી, બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડેમીના બે સભ્યોનો કોરોના વાઇરસનો ટેસ્ટ પોઝિટિવ પણ આવ્યો છે.

BCCIની મેડિકલ ટીમના એક સિનિયર સભ્યનો કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે, એમ સૂત્રોએ ખાતરીપૂર્વક જણાવ્યું છે.  તેઓ સિનિયર મેડિકલ ઓફિસર છે, એટલે તેમને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. જોકે તેઓ કોઈની પણ સાથે સંપર્કમાં નથી આવ્યા અને સંભવતઃ UAEની તેમની યાત્રા દરમ્યાન આ ચેપ લાગ્યો હોવાની આશંકા છે. તેમની દેખરેખ રાખવામાં આવી રહી છે અને આશા છે કે તેમનો આગામી ટેસ્ટ કરવામાં આવે ત્યાં સુધી તેઓ સ્વસ્થ થઈ ચૂક્યા હશે. બીજી બાજુ, બેંગલુરુમાં NCAના બે સભ્યોને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે, એમ સૂત્રોએ કહ્યું હતું.

29 ઓગસ્ટે  BCCIએ પુષ્ટિ કરી હતી કે બે ખેલાડીઓ સહિત 13 કર્મચારીઓના કોવિડ-19ના ટેસ્ટિંગ પોઝિટિવ છે. જોકે બોર્ડે આ ખેલાડીઓ કઈ ટીમના છે એ નહોતું જણાવ્યું.  ખેલાડીઓ અને કર્મચારીઓની ઓળખ પણ સામે નથી આવી.

આ બે ખેલાડીઓ અને 13 કર્મચારીઓની સાથે સંપર્કમાં આવેલા તમામ લોકોને આઇસોલેટ કરવામાં આવ્યા હતા. IPLની મેડિકલ ટીમ દ્વારા તેમના પર નજર રાખવામાં આવી છે, એમ બોર્ડે સત્તાવાર રીતે જણાવ્યું હતું.

પહેલી સપ્ટેમ્બરે ચેન્નઈ સુપર કિંગ્સના CEO કેસી વિશ્વનાથને પુષ્ટિ કરી હતી કે તેમના ત્યાં હવે કોઈ કોરોનાગ્રસ્ત નથી. તેમણે એ પણ કહ્યું હતું કે અગાઉ જે લોકોનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો, તેમના 14 દિવસના ક્વોરોન્ટાઇન સમયગાળો પૂરો થયા પછી પણ ફરી એક વાર કોરોન ટેસ્ટ કરવામાં આવશે.

CEOએ કહ્યું હતું કે હાલ કોઈ નવો કેસ કેસ નથી નોંધાયો અને જે લોકોનો પહેલાં ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો, તેમના સિવાય બધાનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે.

IPL 2020 ટુર્નામેન્ટ 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી UAEમાં ત્રણ જગ્યાએ –દુબઈ, અબુ ધાબી અને શારજાહમાં રમાવાની છે. IPL 2020ની ટુર્નામેન્ટની ફાઇનલ મેચ પહેલી વાર મંગળવારે રમાવાની છે. દરેક મેચ બપોરે અને સાંજે સામાન્ય કરતાં અડધો કલાક વહેલા રમાશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]