ગુજરાત કોંગ્રેસની જન આક્રોશ યાત્રાના બીજા ચરણની જાહેરાત

અમદાવાદ: 21 નવેમ્બરથી 3 ડિસેમ્બર દરમિયાન ઉત્તર ગુજરાતના સાત જિલ્લામાં યોજાયેલી જન આક્રોશ યાત્રાને મળેલી સફળતા બાદ ગુજરાત કોંગ્રેસે જાહેરાત કરી છે કે હવે તે આ યાત્રાના બીજા ચરણની શરૂઆત કરશે. જે મધ્ય ગુજરાતમાં પૂ. ભાથીજી મહારાજના ફાગવેલ ધામથી આગામી ૨૦ ડિસેમ્બરથી શરૂ કરવામાં આવશે. યાત્રા ૬ જાન્યુઆરીએ દાહોદ ખાતે કંબોઈ ધામમાં પૂર્ણ થશે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું, “જન આક્રોશ યાત્રાના ઉત્તર ગુજરાતમાં યોજાયેલા પ્રથમ ચરણને જનતાનો અભૂતપૂર્વ પ્રતિસાદ અને વ્યાપક જનસમર્થન મળ્યું છે. આ યાત્રા દરમિયાન જનતાએ ત્રણ દાયકાના ભાજપ શાસનમાં વ્યાપક બનેલા ભ્રષ્ટાચાર, ગેરવહીવટ, ભેદભાવ અને અન્યાય સામે ખુલીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. જનતાના પ્રશ્નો, પીડા અને અવાજને વાંચા આપવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિએ જન આક્રોશ યાત્રાની શરૂઆત કરી હતી.”

બીજા ચરણની યાત્રા મધ્ય ગુજરાતના ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, મહીસાગર અને દાહોદ એમ સાત જિલ્લામાં, ત્રણ મહાનગરપાલિકામાં, અંદાજે 55 તાલુકા અને 37 નગરપાલિકા વિસ્તારોમાં યાત્રા ભ્રમણ કરશે. આશરે 1400 કિ.મી.નું ભ્રમણ કરીને મધ્ય ગુજરાતના લોકોને કોંગ્રેસના નેતાઓ મળશે.

કોંગ્રેસ પ્રમુખે કહ્યું “આક્રોશ યાત્રા કોઈ ચૂંટણી યાત્રા નથી, પરંતુ પ્રજાના હક-અધિકાર માટેની લડાઈ છે. સરકાર ટેક્સ તો લે છે, પરંતુ પ્રજાનો અવાજ સાંભળતી નથી. આથી જનતાના આક્રોશને બુલંદ અવાજ આપવા માટે તમામ વર્ગોના લોકોને આ યાત્રામાં જોડાવાનું આહ્વાન કરવામાં આવ્યું. જન આક્રોશ યાત્રા એ જનતાનો અવાજ છે અને આવનારા સમયમાં આ અવાજને વધુ મજબૂતીથી સમગ્ર ગુજરાતમાં પહોંચાડવામાં આવશે.”વિધાનસભા વિરોધ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરીએ જણાવ્યું, “ભ્રષ્ટાચારની પરાકાષ્ઠા એવી છે કે હવે સત્તાધારી પક્ષના ધારાસભ્યો પણ સરકાર અને અધિકારીઓ સામે ફરિયાદો કરી રહ્યા છે. જો શાસક પક્ષના ધારાસભ્યોનું અવાજ ન સાંભળવામાં આવતું હોય તો સામાન્ય જનતાની હાલત શું હશે, એ કલ્પી શકાય છે. આ જ કારણોસર ઉત્તર ગુજરાતમાં જન આક્રોશ યાત્રાને ઉત્તમ પ્રતિસાદ મળ્યો અને મધ્ય ગુજરાતમાં તેનાથી પણ વધુ જનસમર્થન મળશે.”

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે આયોજીત પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, મીડીયા કોન્વીનર અને પ્રવક્તા હેમાંગ રાવલ, પ્રવક્તા ડૉ. હિરેન બેંકર, ડૉ. અમિત નાયક ઉપસ્થિત રહ્યાં હતાં.