ઓસ્ટ્રેલિયાને 1-0થી હરાવી મહિલા હોકી-ટીમ ઓલિમ્પિક સેમી-ફાઈનલમાં

ટોક્યોઃ અહીં રમાતી ઓલિમ્પિક ગેમ્સમાં આજે 11મા દિવસે મહિલા હોકી રમતમાં ગુરજીતકૌરનાં ગોલની મદદથી ભારતે ક્વાર્ટર ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને 1-0થી હરાવી દીધું છે અને સેમી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. આ સાથે ભારતની મહિલા હોકી ખેલાડીઓએ ઈતિહાસ સર્જી દીધો છે. ભારતની મહિલા હોકી ખેલાડીઓએ ઓલિમ્પિક રમતોત્સવમાં આ પહેલી જ વાર સેમી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. રાની રામપાલની આગેવાની હેઠળની ટીમે ત્રણ વખત ઓલિમ્પિક ગોલ્ડમેડલ જીતનાર ઓસ્ટ્રેલિયાની ટીમને આજે હરાવી દીધી છે.

ગુરજીતકૌરે મેચની 22મી મિનિટે પહેલો ગોલ કર્યો હતો. મોનિકાએ એની રમતમાં એવું મેજિક કર્યું કે ભારતને પેનલ્ટી કોર્નર મળ્યો હતો. ગુરજીતકૌરે તે પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવવામાં સફળતા મેળવી હતી. હાફ-ટાઈમે સ્કોર ભારતની તરફેણમાં 1-0 હતો. સમગ્ર મેચમાં ભારતનું ડીફેન્સ મજબૂત રહ્યું હતું અને ઓસી ખેલાડીઓ તેને ભેદી શકી નહોતી. ખાસ કરીને, 50મી મિનિટે ઓસ્ટ્રેલિયાની ખેલાડીઓ સ્કોર સમાન કરવા ખૂબ તત્પર બની હતી ત્યારે હરીફ ખેલાડીનાં એક શોટને નિક્કી પ્રધાને પોતાની સ્ટિક વડે એક જોરદાર રીતે બચાવ્યો હતો. એની એક જ મિનિટ બાદ ઓસ્ટ્રેલિયાને પેનલ્ટી કોર્નર મળ્યો હતો, પણ ભારતની વાઈસ-કેપ્ટન અને ગોલકીપર સવિતા પુનિયાએ તેને બચાવી લીધો હતો. મેચની આખરી મિનિટમાં પણ ઓસ્ટ્રેલિયાને બે પેનલ્ટી કોર્નર મળ્યા હતા, પણ સવિતા તથા સાથી ખેલાડીઓએ એને ગોલ થતા રોકી દીધાં હતાં.