ભારતની મેન્સ હોકી ટીમ ઓલિમ્પિક સેમી ફાઈનલમાં

ટોક્યોઃ ભારતના પુરુષોની હોકી ટીમે અહીં ઓલિમ્પિક ગેમ્સમાં બ્રિટનની બળૂકી ટીમને હરાવીને સેમી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. આજે રમાઈ ગયેલી ક્વાર્ટર ફાઈનલ મેચમાં મનપ્રીત સિંહ અને તેના સાથીઓએ બ્રિટનને 3-1થી પરાજય આપ્યો છે. સેમી ફાઈનલમાં ભારતનો મુકાબલો બેલ્જિયમ સામે થશે.

ભારતના પુરુષોની હોકી ટીમે ચાર દાયકા બાદ પહેલી વાર ઓલિમ્પિક્સની સેમી ફાઈનલમાં પ્રવેશ કર્યો. છેલ્લે, 1980ની મોસ્કો ઓલિમ્પિક્સમાં ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે પછી એ સતત હારતી રહી હતી. આજની મેચમાં, દિલપ્રીતસિંહે મેચની 7મી મિનિટે પહેલો ગોલ કર્યો હતો. ત્યારબાદ બીજા ક્વાર્ટરમાં, 16મી મિનિટે ગુર્જન્તસિંહે ગોલ કરી ભારતને સરસાઈ અપાવી હતી. હાર્દિક સિંહે 57મી મિનિટે ટીમનો ત્રીજો ગોલ કર્યો હતો. એ પહેલાં 54મી મિનિટે કેપ્ટન મનપ્રીતસિંહને યેલો કાર્ડ બતાવવામાં આવ્યું હતું અને બ્રિટનને પેનલ્ટી કોર્નર લાભ મળ્યો હતો, પણ ગોલકીપર શ્રીજેશે હરીફ ટીમના એ જોરદાર ગોલ-પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. શ્રીજેશે એ પહેલા પણ બ્રિટનના બે પેનલ્ટી કોર્નરને ગોલમાં પરિવર્તિત થતા નિષ્ફળ બનાવ્યા હતા. બ્રિટનનો એકમાત્ર ગોલ સેમ્યુઅલ ઈયાન વોર્ડે ત્રીજા ક્વાર્ટરમાં કર્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]