ટોક્યો ઓલિમ્પિક્સઃ સિંધુએ મહિલા બેડમિન્ટનમાં કાંસ્યચંદ્રક જીત્યો

ટોક્યોઃ ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પુસર્લા વેંકટ (પી.વી.) સિંધુએ આજે અહીં ટોક્યો ઓલિમ્પિક ગેમ્સમાં મહિલા સિંગલ્સ વર્ગમાં ચીનની હી બિંગ જિયાઓને બે સીધી ગેમમાં હરાવીને કાંસ્યચંદ્રક જીત્યો છે. વર્તમાન ઓલિમ્પિક ગેમ્સમાં ભારતનો આ બીજો મેડલ છે. મહિલા વેઈટલિફ્ટર સૈખોમ મીરાબાઈ ચાનૂએ સિલ્વર મેડલ જીત્યો છે. આજની જીત સાથે સિંધુ ઓલિમ્પિક ગેમ્સમાં વ્યક્તિગત બે મેડલ જીતનાર માત્ર બીજી ભારતીય એથ્લીટ બની છે. પહેલો છે કુસ્તીબાજ સુશીલકુમાર.

સિંધુએ આજે ત્રીજા સ્થાન માટેની મેચમાં ચીનની જિયાઓને 21-13, 21-15થી હરાવી છે. પહેલી ગેમથી જ સિંધુએ આક્રમક વલણ દાખવીને જિયાઓ પર પોતાનું વર્ચસ્વ જમાવ્યું હતું અને છેવટ સુધી એને જાળવી રાખ્યું હતું. ઓલિમ્પિક્સમાં સિંધુનો આ બીજો મેડલ છે. 2016ની રિયો ઓલિમ્પિક્સમાં તે બીજા સ્થાને રહી હતી અને સિલ્વર મેડલ જીત્યો હતો.