ટોક્યો-ઓલિમ્પિક્સ-મેન્સ-હોકીઃ SFમાં બેલ્જિયમ સામે ભારતનો કારમો પરાજય

ટોક્યોઃ અહીં રમાતી ઓલિમ્પિક ગેમ્સમાં પુરુષોની હોકી રમતમાં ગોલ્ડ મેડલ જીતવાના ભારતના પડકારનો આજે અંત આવી ગયો છે. સેમી ફાઈનલ મેચમાં બેલ્જિયમ સામે ભારતનો 5-2થી કારમો પરાજય થયો છે. હાફ-ટાઈમે સ્કોર 2-2થી સમાન હતો. બેલ્જિયમની જીતમાં તેના ખેલાડી એલેકઝાંડર હેન્ડ્રીક્સનો મુખ્ય ફાળો રહ્યો. એણે ત્રણ ગોલ કર્યા હતા. વર્તમાન સ્પર્ધામાં એના કુલ 14 ગોલ થયા છે. એણે પોતાનો પહેલો ગોલ પહેલા હાફમાં, મેચની 19મી મિનિટે, બીજો ગોલ 49મી મિનિટે અને ત્રીજો 53મી મિનિટે કર્યો હતો. મેચનો પહેલો ગોલ બેલ્જિયમના લીપાર્ટે મેચની બીજી જ મિનિટે કર્યો હતો. ત્યારબાદ 11મી મિનિટે ભારતના કેપ્ટન મનપ્રીતસિંહે ગોલ કરી સ્કોર સમાન કર્યો હતો. 13મી મિનિટે હરમનપ્રીતસિંહે પણ ગોલ કરી ભારતને સરસાઈ અપાવી હતી. પરંતુ એ સરસાઈને 19મી મિનિટે બેલ્જિયમના એલેકઝાંડર હેન્ડ્રીક્સે ગોલ કરી ભૂંસી નાખી હતી. મેચનો આખરી ગોલ બેલ્જિયમના વનાશે 59મી મિનિટે કર્યો હતો.

કારમા પરાજયને કારણે 41 વર્ષ પછી ઓલિમ્પિક્સ હોકીનો ગોલ્ડ મેડલ ફરી જીતવાની તક જતી રહી. ભારતીય ટીમને કાંસ્યચંદ્રક જીતવાની હજી તક છે.