દુકાનો દરરોજ રાતે-10-વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે

મુંબઈઃ મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે આજથી શહેરમાં તમામ– આવશ્યક તથા બિનઆવશ્યક એમ બધી દુકાનોને સપ્તાહના તમામ દિવસોએ અને રાતે 10 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. જોકે રેસ્ટોરન્ટ્સ પર નિયંત્રણો ચાલુ રહેશે. રેસ્ટોરન્ટ્સ 50 ટકા ગ્રાહક-સંખ્યા સાથે ખુલ્લી રાખી શકાશે અને તેનો સમય પણ સાંજે ચાર વાગ્યા સુધીનો જ રહેશે. ત્યારબાદ માત્ર પાર્સલ-હોમ ડિલિવરીની જ પરવાનગી રહેશે. અત્યાર સુધી મુંબઈમાં બિનઆવશ્યક ચીજોની દુકાનોને સપ્તાહના ચાર દિવસ જ અને સાંજે ચાર વાગ્યા સુધી જ ખુલ્લી રાખવા દેવામાં આવતી હતી. હવે બધી જ દુકાનો આખું અઠવાડિયું દિવસ-રાત ખુલ્લી રાખી શકાશે. રેસ્ટોરન્ટ્સને સપ્તાહના તમામ દિવસો સાંજે ચાર વાગ્યા સુધી ખુલ્લી રાખવાની પરવાનગી અપાઈ છે. અત્યાર સુધી દર શનિવાર અને રવિવારે તે બંધ રાખવામાં આવતી હતી.

મુંબઈમાં તમામ ઈન્ડોર અને આઉટડોર સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓને પણ પરવાનગી આપવામાં આવી છે. પરંતુ, સ્વિમિંગ પૂલ માટે પરવાનગી નથી. શોપિંગ મોલ્સ અને થિયેટરો હજી પણ બંધ જ રહેશે. લોકલ ટ્રેનોમાં આમજનતાને પ્રવાસ પર પ્રતિબંધ પણ ચાલુ રહ્યો છે. ખાનગી ઓફિસોને સોમવારથી શનિવાર સુધી સાંજે ચાર વાગ્યા સુધી જ ખુલ્લી રાખવાની પરવાનગી અપાઈ છે. જાહેર મેદાનો તથા ઉદ્યાનો સપ્તાહના તમામ દિવસોએ સવારે પાંચ અને સવારે 9 વાગ્યા સુધી જ ખુલ્લા રાખી શકાશે.

મહારાષ્ટ્ર સરકારે મુંબઈ ઉપરાંત અન્ય જિલ્લાઓમાં પણ આ જ પ્રકારની છૂટછાટો આપી છે. જોકે 11 જિલ્લાઓમાં નિયંત્રણો ચાલુ રહેશે. આમાં પુણે, કોલ્હાપુર, સાતારા, સાંગલી જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે જ્યાં કોરોનાવાઈરસના નવા કેસોની સંખ્યા હજી ઘણી ઊંચી રહે છે. મહારાષ્ટ્રમાં ગઈ કાલે કોરોનાના નવા 4,869 કેસ નોંધાયા હતા. એ સાથે કેસોની કુલ સંખ્યા 63,15,063 થઈ છે. ગઈ કાલે રાજ્યમાં કોરોના બીમારીને કારણે 90 જણના મૃત્યુ થયા હતા અને મરણાંક વધીને 1,33,038 થયો છે.