લોકલ ટ્રેનમાં પ્રવાસ મુદ્દે હાઈકોર્ટનો મહારાષ્ટ્ર-સરકારને સવાલ

મુંબઈઃ હાઈકોર્ટે આજે મહારાષ્ટ્ર સરકારને સવાલ કર્યો છે કે જે લોકોએ કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસીના બંને ડોઝ લઈ લીધા હોય એમને મુંબઈની લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવાની પરવાનગી ન આપવાનું કારણ શું? ચીફ જસ્ટિસ દિપાંકર દત્તા અને ન્યાયમૂર્તિ જી.એસ. કુલકર્ણીની બેન્ચે રાજ્ય સરકારને પૂછ્યું કે, નાગરિકો કોરોના રસીના બંને ડોઝ લઈ લે તે પછી પણ જો એમને એમના ઘરમાં જ બેસાડી રાખવાના હોય તો રસી લેવાનો હેતુ શું છે? રાજ્ય સરકારના એડવોકેટ જનરલ આશુતોષ કુંભકોનીએ કોર્ટ સમક્ષ એવી રજૂઆત કરી હતી કે રાજ્યનો ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ તમામ વકીલો, અદાલતોમાં કામ કરતા ક્લાર્ક તથા અન્ય સ્ટાફને મુંબઈની લોકલ ટ્રેનોમાં ફરી પ્રવાસ કરવાની પરવાનગી આપવાની વિરુદ્ધમાં છે. અત્યારે માત્ર મોખરે રહેતા આરોગ્ય કર્મચારીઓ તથા સરકારી કર્મચારીઓને જ લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવાની પરવાનગી આપવામાં આવી છે.

હાઈકોર્ટે વકીલો તથા કેટલીક વ્યક્તિઓએ અંગત રીતે નોંધાવેલી જનહિતની અરજીઓ પર આજ સુનાવણી કરી હતી. કોર્ટ પાંચમી ઓગસ્ટે આ કેસમાં સુનાવણી આગળ વધારશે.