લંડનઃ ભારત સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં રમવા માટે ન્યૂઝીલેન્ડની ટીમ લંડન આવી પહોંચી છે. બંને ટીમ વચ્ચે આવતી 18 જૂનથી સાઉધમ્પ્ટનમાં ફાઈનલ મેચ રમાવાની છે. ન્યૂઝીલેન્ડ ટીમ તે પહેલાં ઈંગ્લેન્ડ સામે બે-મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે. આ મેચ પૂર્વે એક મુલાકાતમાં ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટીમ સાઉધીએ કહ્યું છે કે ફાઈનલમાં ભારતના કેપ્ટન વિરાટ કોહલીની વિકેટ ફરી લેવા તે આતુર બન્યો છે. ઉલ્લેખનીય છે કે, સાઉધી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ન્યૂઝીલેન્ડનો બેસ્ટ બોલર રહ્યો છે. એણે આંતરરાષ્ટ્રીય મેચોમાં કોહલીને 10 વખત આઉટ કર્યો છે. આ સિદ્ધિ મેળવનાર તે પહેલો બોલર છે. એણે કોહલીને 10મી વાર ભારતીય ટીમ 2020ના ફેબ્રુઆરીમાં જ્યારે ન્યૂઝીલેન્ડના પ્રવાસે ગઈ હતી ત્યારની મેચમાં આઉટ કર્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં સાઉધી ભારત સામે 8 મેચમાં 39 વિકેટ લઈ ચૂક્યો છે. કુલ 77 ટેસ્ટ મેચોમાં એણે 302 વિકેટ લીધી છે.
સાઉધી તથા અન્ય ત્રણ સાથી ખેલાડીઓ – બી.જે. વેટલિંગ, રોસ ટેલર અને નીલ વેગ્નર આજે ઓકલેન્ડથી રવાના થયા છે. આઈપીએલમાં રમેલા અને ભારતમાંથી માલદીવ ગયેલા ખેલાડીઓ આવતીકાલે પહોંચશે. તેમાં કેપ્ટન કેન વિલિયમ્સન, કાઈલ જેમીસન, મિચેલ સેન્ટનર, ટીમના ફિઝિશીયો ટોમી સિમસેક અને ટ્રેનર ક્રિસ ડોનાલ્ડસનનો સમાવેશ થાય છે.