કોરોનાને લીધે ભારતનો શ્રીલંકાનો પ્રવાસ જોખમમાં

મુંબઈઃ ભારતમાં કોરોનાની બીજી લહેર કહેર વર્તાવી રહી છે, પણ હવે ભારતના પાડોશી દેશોમાં પણ કોરોનાના કેસ વધવા માંડ્યા છે. શ્રીલંકા આ પૈકીનો એક દેશ છે. શ્રીલંકામાં કોરોનાની બીજી લહેર આવી હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. જેને પગલે ભારતનો શ્રીલંકા પ્રવાસ જોખમમાં છે. જુલાઈમાં ભારતીય ટીમ શ્રીલંકાના પ્રવાસે ત્રણ વન ડે અને ત્રણ T20 મેચ રમવાની છે. એ પહેલાં જ શ્રીલંકામાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા હોવાથી આ વખતે પણ આ સિરીઝને ટાળી દેવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ શકે છે.

શ્રીલંકાનું ક્રિકેટ બોર્ડ પણ આ વાતને લઈને ગંભીર ચિંતામાં છે. ગુરવારે શ્રીલંકામાં કોરોનાના 3269 નવા કેસ નોંધાયા હતા અને 24 લોકોનાં મોત થયાં હતાં.  છેલ્લા એક સપ્તાહમાં શ્રીલંકામાં કોરોનાના 16,342 જેટલા નવા કેસ નોંધાયા છે. જ્યારે 147 લોકોનાં મોત થયાં છે. જેથી બંને દેશો વચ્ચેની સિરીઝ પર જોખમ ઊભું થયું છે.

બંને દેશો વચ્ચે આમ તો ગયા વર્ષે  જૂનમાં આ સિરીઝ રમાવાની હતી, પણ કોરોનાની પહેલી લહેરની વચ્ચે સિરીઝને મુલતવી કરીને આ વર્ષે રમાડવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ ફરી વખત કોરોનાના સંક્રમણને જોતા સિરીઝ પર સંકટ ઝળૂંબી રહ્યું છે.

શ્રીલંકન ક્રિકેટ બોર્ડનું કહેવું છે કે કોરોના સંક્રમણ ચિંતાનો વિષય છે. જોકે બોર્ડના સિનિયર અધિકારીએ કહ્યું હતું કે કોરોના દરમિયાન શ્રીલંકાએ સફળતાપૂર્વક ઇંગ્લેન્ડ સામેની સિરીઝ રમાડી હતી. અમને વિશ્વાસ છે કે, ભારત સામેની સિરિઝ અમે રમાડી શકીશું. બીજી તરફ ભારતીય ક્રિકેટ બોર્ડે હાલના તબક્કે તો ભારતીય ટીમને શ્રીલંકા મોકલવાનું નક્કી કરેલું છે. જોકે આ ટીમમાં કોહલી, રોહિત શર્મા અને ઈશાંત શર્મા તથા જસપ્રીત બુમરાહ સામેલ નહીં થાય. આ દરમિયાન તેઓ ઈંગ્લેન્ડમાં હશે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]