T20I સિરીઝઃ તિલક વર્માએ રેકોર્ડ બનાવ્યો, સૂર્યકુમારની આક્રમક ઇનિંગ્સ

જ્યોર્જટાઉનઃ વેસ્ટ ઇન્ડિઝની સામે પાંચ મેચોની T20 સિરીઝમાં ટીમ ઇન્ડિયાએ શાનદાર વાપસી કરી છે. આ સિરીઝમાં પ્રારંભની બે મેચો હાર્યા પછી ત્રીજી મેચ જીતી લીધી છે. ટીમ ઇન્ડિયાએ આ મેચ સાત વિકેટથી જીતી લીધી છે. હવે સિરીઝમાં વેસ્ટ ઇન્ડિઝ 2-1થી આગળ છે.

ટીમ ઇન્ડિયા અને વેસ્ટ ઇન્ડિઝની વચ્ચે રમાઈ રહેલી સિરીઝમાં ત્રીજી મેચમાં ભારતીય બેટ્સમેન સૂર્યકુમાર યાદવે આક્રમક બેટિંગ કરી હતી, તેણે 44 બોલમાં ચાર છક્કા અને 10 ચોક્કાની મદદથી 83 રન બનાવ્યા હતા અને ટીમની જીતમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી.

સૂર્યકુમારના આઉટ થયા પછી તિલક વર્માએ નોટઆઉટ 49 રન બનાવ્યા હતા અને કેપ્ટન હાર્દિક પંડ્યાએ નોટઆઉટ 20 રનની ઇનિંગ્સ રમીને ભારટને સાત વિકેટે જીત અપાવી હતી.

સૂર્યકુમાર યાદવે હવે ટીમ ઇન્ડિયા તરફથી T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઓછી ઇનિંગ્સમાં 100 છક્કા લગાવનાર બેટ્સમેનોની યાદીમાં પહેલા ક્રમે આવી ગયો છે. આ પહેલાં રોહિત શર્માને નામે આ રેકોર્ડ હતો, જેણે 84 ઇનિંગ્સમાં 100 છક્કા પૂરા કર્યા હતા. જોકે ઓવરઓલ સૂર્યકુમાર ક્રિસ ગેઇલની સાથે સંયુક્ત રૂપે બીજા ક્રમે આવી ગયો છે, જેણે 49 ઇનિંગ્સમાં 100 છક્કા લગાવ્યા હતા. યાદવના હવે T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 51 મેચોમાં 101 છક્કા થઈ ગયા છે.

બીજી બાજુ, તિલક વર્માએ આ સિરીઝથી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું છે, જે ડેબ્યુ કર્યા બાદ પ્રારંભની ત્રણ મેચોમાં સતત 30 કે એનાથી વધુ સ્કોર બનાવનારો બીજો ભારતીય ક્રિકેટર બની ગયો છે. આ સાથે તિલક વર્મા સૂર્યકુમાર યાદવ પછી પહેલી ત્રણ T20I ઇનિંગ્સમાં 30+ નો સ્કોર બનાવનાર બીજો બેટ્સમેન બની ગયો છે. આ પહેલાં ત્રણ ઇનિંગ્સમાં દીપક હુડા (172 રન), સૂર્યકુમાર, તિલક વર્મા (139 રન) અને ગૌતમ ગંભીર (109 રન) બનાવ્યા છે.