શ્રી શ્રી રવિશંકર: વર્ષોની સેવા

જે વ્યક્તિ જવાબદારી લે છે,તે મોટે ભાગે પ્રાર્થના નથી કરતા હોતા, અને ઘણી વાર,જે પ્રાર્થના કરે છે તે જવાબદારી નથી લેતા. આધ્યાત્મથી આ બન્ને એક સાથે શક્ય છે. સેવા અને સાધના એક સાથે થાય છે. તમે ધ્યાનમાં જેટલા ઊંડા ઉતરો છો તેટલું તમને પોતાનો આનંદ બીજા સાથે વહેંચવા ઈચ્છો છો. જો તમે બીજાની સેવા કરો છો તો તમને તેનું પુણ્ય મળે છે. કેટલાક લોકો માત્ર એટલા માટે સેવા કરે છે કે તેનાથી તેમને પુષ્કળ લાભ અને પુણ્ય મળે છે. લોકો જો પ્રસન્ન થાય છે તો તેમને એવું લાગે છે કે ભૂતકાળમાં ક્યારેક એમણે કોઈ સેવા કરી હશે.

એ જ રીતે, જો તમે ખુશ નથી તો સેવા કરો;તમારું મનોબળ વધશે અને તમને આનંદ આવશે. તમે જેટલું બીજાને આપશો એટલી જ શક્તિ અને સમૃધ્ધિ તમારા જીવનમાં આવશે. જ્યારે આપણે જીવનમાં સેવાને પ્રાથમિકતા આપીએ છીએ ત્યારે ભય નાશ પામે છે,આપણા મનમાં એકાગ્રતા આવે છે,આપણા કર્મોમાં નિરુદ્દેશ્યતા આવે છે અને આપણે આનંદિત રહીએ છીએ. જ્યારે આપણે સેવા કરીએ છીએ ત્યારે આપોઆપ સહજ થઈ જઈએ છીએ અને આપણામાં માનવીય મુલ્યો પુનઃજાગૃત થાય છે, તેનાથી આપણે એક ભયરહિત અને સુસ્તીમુક્ત સમાજનું નિર્માણ કરવા માટે સક્ષમ બનીએ છીએ. યુવાઓ માટે આધ્યાત્મનું લક્ષ્ય બીજાઓ સાથે વહેંચવાના ગુણ અને આત્માવિશ્વાસનો વિકાસ કરવાનો છે.

જો તમારામાં સેવા કરવાનો ભાવ જાગે છે તો તમે તમારી ચિંતા ના કરો; આ દિવ્યતા તમારું ધ્યાન રાખશે. તમે પૈસાની પણ વધારે ચિંતા ના કરો. જો તમે પ્રેમ અને કૃતજ્ઞતાથી ભરપૂર છો તો ભયનું કોઈ સ્થાન નથી. સેવા એ સુસ્તીનો શ્રેષ્ઠ ઉપચાર છે. જે દિવસે તમે નિરાશ અને દુખી હોવ ત્યારે બહાર નીકળો અને લોકોને પૂછો,”હું તમારા માટે શું કરી શકું છું?”તમે જે કંઈ સેવા કરશો તે તમારી અંદર એક આંદોલન લાવશે.જ્યારે તમે એવું પૂછો છો કે “કેમ હું જ?” અથવા “મારું શું?” ત્યારે જ તમે દુખી થાવ છો. એના કરતાં તો સારું એ છે કે તમે થોડા પ્રાણાયામ કરો,સુદર્શન ક્રિયા કરો અને રોજ થોડીવાર મૌન રાખો. એ તમારા મન અને શરીરને ઊર્જાવાન બનાવશે અને તમારી ઊર્જાનું સ્તર વધશે.

આનંદ બે પ્રકારના હોય છે. પહેલો એ જે કંઈક મળવાથી અનુભવાય છે-જેવું બાળકોમાં થાય છે,”જો મને આ રમકડું મળશે તો હું ખુશ થઈશ.” મોટેભાગે આપણે આ સ્તર પર રહેતા હોઈએ છીએ અને એનાથી આગળ નથી વધતા. બીજા પ્રકારનો આનંદ આપવામાં છે. એક દાદી પોતાના પૌત્ર પૌત્રીઓને મિઠાઈ આપવામાં જ ખુશ છે. એ એવું નથી વિચારતી કે તેને પોતાને કેટલું મળ્યું છે.જે આનંદ આપવામાં મળે છે તે પરિપક્વ છે. ઈશ્વર તમારી પાસે કોઈ અપેક્ષા નથી રાખતા. જ્યારે તમે કોઈ પણ કાર્ય માત્ર એટલા માટે જ કરો છો કે તમને તેમાં આનંદ મળે છે, જ્યારે તમને કંઈ મેળવવાની લાલસા નથી-તો એ સેવા છે. સેવા તમને તરત સંતોષ અને લાંબાગાળાનો લાભ, બન્ને પ્રદાન કરે છે.

પોતાની અંદર ઈશ્વરને જોવા એ જ ધ્યાન છે અને બીજી વ્યક્તિમાં ઈશ્વર જોવા એ સેવા છે. ઘણા લોકો મોટાભાગે એવું સમજે છે કે જો તે સેવા કરશે તો બીજા એમનો ફાયદો ઉઠાવી લેશે. સતર્ક અને બુદ્ધિશાળી રહીએ,પરંતુ કુટીલના થઈએ. સેવાથી યોગ્યતાઓ વધે છે; આ યોગ્યતાઓ તમારા ધ્યાનને વધારે ગહેરુ બનાવે છે અને ધ્યાનથી તમારું સ્મિત જળવાઈ રહે છે.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)