રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ગ્રીન એનર્જી ક્ષેત્રમાં ઈન્વેસ્ટમેન્ટ બમણું કરશે

મુંબઈઃ મુકેશ અંબાણીના નેતૃત્ત્વ હેઠળની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપની ગ્રીન એનર્જી ઉદ્યોગક્ષેત્રમાં ગાજતું નામ છે. રૂ. 17 ટ્રિલિયનની માર્કેટ મૂડી ધરાવતી આ કંપની નવી અને હરિત ઊર્જા સ્રોતના ક્ષેત્રમાં મોટા પાયે મૂડીરોકાણ કરવાની છે. આરઆઈએલની વાર્ષિક સામાન્ય સભા (એજીએમ)માં અંબાણીએ કહ્યું હતું કે, ‘ન્યૂ એનર્જી અને ન્યૂ મટિરિયલ્સ ક્ષેત્રમાં રિલાયન્સને દુનિયાની અગ્રગણ્ય કંપની બનાવવા માટે આપણે 15 વર્ષનું લક્ષ્ય નક્કી કર્યું છે.’ તે જાહેરાતને પગલે કંપનીએ 2021માં જાહેરાત કરી હતી કે તે ન્યૂ એનર્જી બિઝનેસમાં રૂ. 75,000 કરોડનું મૂડીરોકાણ કરશે.

હવે કંપનીના લેટેસ્ટ વાર્ષિક અહેવાલમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે કહ્યું છે કે તે ન્યૂ એનર્જી ક્ષેત્રમાં ઈન્વેસ્ટમેન્ટને બમણું કરશે. તેણે પોતાના વચનનો પુનરોચ્ચાર કરતા કહ્યું છે કે તે 2035ની સાલ સુધીમાં નેટ-ઝીરો કાર્બનનો મહત્ત્વાકાંક્ષી ટાર્ગેટને હાંસલ કરવા માટે આ ક્ષેત્રમાં મૂડીરોકાણને બમણું એટલે કે, રૂ. 1.5 ટ્રિલિયન કરશે. ન્યૂ એનર્જી બિઝનેસ હાઈડ્રોજન, પવન, સૌર્ય ઊર્જા, ઈંધણ અને બેટરીઝ સાથે વિશ્વસનીય, સ્વચ્છ અને સસ્તી ઊર્જાના ઉકેલોનું ઉત્તમ મિશ્રણ છે.