ટોક્યોઃ જાપાનના આ પાટનગર શહેરમાં ઓલિમ્પિક ગેમ્સના આયોજનની તારીખ નજીક આવી રહી છે ત્યારે સમાચાર આવ્યા છે કે ઓલિમ્પિક્સના હજારોની સંખ્યામાં કર્મચારીઓ તથા સ્વયંસેવકોને કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસી આપવામાં આવી છે. ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (આઈઓસી)એ 40 હજાર લોકો માટે ફાઈઝર/બાયોએનટેકની રસીના ડોઝ દાન કર્યા છે.
ટોક્યો ઓલિમ્પિક્સ ગયા વર્ષે જ યોજાવાની હતી, પણ માર્ચ મહિનાથી દુનિયાભરમાં કોરોના ફેલાતા તેને આ વર્ષ સુધી મુલતવી રાખવામાં આવી હતી. આ વર્ષે પણ દુનિયા કોરોના ચેપી બીમારીથી મુક્ત થઈ નથી. જાપાનની સરકારે ઓલિમ્પિક્સની હરીફાઈઓ જોવા માગતા ચાહકોની સંખ્યાને મર્યાદિત રાખવાનું નક્કી કર્યું છે.