ક્રિકેટનું સર્વોત્તમ વિજેતાપદ હાંસલ કરવા ટીમ-ઈન્ડિયા સજ્જ

સાઉધમ્પ્ટનઃ 1877ની સાલમાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સૌપ્રથમ ટેસ્ટ મેચ રમાઈ હતી. તે મેચ ઓસ્ટ્રેલિયામાં મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી. ત્યારપછી ટેસ્ટ ક્રિકેટ ફોર્મેટમાં સર્વોપરીપણા માટે સભ્ય-ટીમો વચ્ચે ભારે હરીફાઈ ચાલતી રહી છે. પરંતુ ક્યારેય કોઈ ટીમને સત્તાવાર રીતે શ્રેષ્ઠ ટીમનો મુગટ અપાયો નથી.

હવે બે-વર્ષની લીગવાળી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) નોકઆઉટ ફાઈનલ તબક્કામાં પહોંચી છે અને ત્યાં આવતીકાલથી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુકાબલો થવાનો છે. આ બંને ટીમ સ્પર્ધામાં સૌથી વધારે પોઈન્ટ હાંસલ કરીને ફાઈનલમાં પહોંચી છે. બ્રિટનના દક્ષિણી સમુદ્રકાંઠે આવેલા સાઉધમ્પ્ટન શહેરના એજીસ બોલ સ્ટેડિયમમાં ફાઈનલ રમાશે.

વિરાટ કોહલીની આગેવાની હેઠળની ભારતીય ટીમે એજીસ બોલ મેદાન પર સઘન નેટ-પ્રેક્ટિસ કરી છે અને આંતર-ટીમ મોક મેચો રમી છે. બીજી બાજુ, કેન વિલિયમ્સનના સુકાનીપદ હેઠળની ન્યૂઝીલેન્ડ ટીમ ઈંગ્લેન્ડ સામે બે-મેચની ટેસ્ટ સિરીઝ રમી છે. તેણે સિરીઝ 1-0થી જીતી છે.

આઈસીસીના નિષ્પક્ષ પીચ કન્સલ્ટન્ટ એન્ડી એટકિન્સને એજીસ બોલના ક્યૂરેટર સેમ લીને કહ્યું હતું કે તેઓ ફાઈનલ મેચ માટે રમવા માટે ઉત્તમ બની રહે એવી પીચ બનાવજો. પીચ જોઈને એટકિન્સને કહ્યું છે કે તે બોલરો અને બેટ્સમેનો, બંનેને માફક આવે એવી રીતે બનાવાઈ છે. પરંતુ વરસાદ એમાં અડચણ ઊભી કરી શકે છે. સુનીલ ગાવસકરનું માનવું છે કે ભારત આ મેચ જીતશે. જ્યારે ઈંગ્લેન્ડના બે ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ વોન અને એલેસ્ટર કૂકના મતે ન્યૂઝીલેન્ડ વિજેતાપદ માટે ફેવરિટ છે.

ભારતે પોતાની ઈલેવનની ઘોષણા કરી દીધી છેઃ રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઈસ-કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, ઈશાંત શર્મા અને મોહમ્મદ શમી.