આઈસીસી એવોર્ડ્સ-2018માં કોહલીનું વર્ચસ્વ…

છેલ્લા અમુક વર્ષોથી અને ખાસ કરીને 2018ના વર્ષમાં જોરદાર ફોર્મમાં રમેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ આજે જાહેર કરવામાં આવેલા ‘આઈસીસી એવોર્ડ્સ-2018’માં ટોચના ત્રણ એવોર્ડ જીતીને ધમાલ મચાવી દીધી છે.

ક્રિકેટનું વિશ્વસ્તરે સંચાલન કરતી સંસ્થા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) દ્વારા વર્ષ 2018 માટેના તેના પ્રતિષ્ઠિત એવોર્ડ્સની જાહેરાત કરવામાં આવી છે. આમાં, કોહલીએ ‘આઈસીસી મેન્સ ક્રિકેટર ઓફ ધ યર’, ‘આઈસીસી મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર’ અને ‘આઈસીસી મેન્સ ODI ક્રિકેટર ઓફ ધ યર’ એવોર્ડ્સ હાંસલ કર્યા છે.

આ ઉપરાંત તે આઈસીસી મેન્સ ટેસ્ટ અને ODI, એમ બંને ટીમનો 2018 વર્ષ માટે કેપ્ટન તરીકે પણ પસંદ કરાયો છે.

સર ગાર્ફિલ્ડ સોબર્સ ટ્રોફી ફોર આઈસીસી ક્રિકેટર ઓફ ધ યર સતત બીજી વાર જીતનાર કોહલી ક્રિકેટના ઈતિહાસમાં પહેલો જ ખેલાડી બન્યો છે.

એણે 2018માં પણ આઈસીસી ટેસ્ટ અને ODI ક્રિકેટરના એવોર્ડ જીત્યા હતા.

આ વર્ષે જાહેર કરાયેલા એવોર્ડ્સની યાદીમાં એક વધુ ભારતીય ખેલાડી પણ ચમક્યો છે અને તે છે વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત. એણે જીત્યો છે આઈસીસી ઈમર્જિંગ ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ.

કોહલીએ 2018ના વર્ષમાં 13 ટેસ્ટ મેચોમાં પાંચ સદી સાથે 55.08ની સરેરાશ સાથે 1,322 રન કર્યા હતા. વન-ડે ક્રિકેટમાં એણે 14 ઈન્ટરનેશનલ મેચોમાં 6 સદી સાથે 133.55ની એવરેજ સાથે 1,202 રન કર્યા હતા.

કોહલી વર્ષ દરમિયાન 10 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો પણ રમ્યો હતો જેમાં એણે 211 રન કર્યા હતા.

કોહલીએ બાદમાં પોતાના સંબોધનમાં કહ્યું કે આ ઈનામ મને વીતી ગયેલા આખા વર્ષમાં સખત પરિશ્રમ માટે મળ્યું છે. આઈસીસી સંસ્થા તરફથી વૈશ્વિક સ્તરે આ પ્રકારની માન્યતા મળી એને હું ક્રિકેટર તરીકે મારું ગૌરવ સમજું છું. આ પ્રકારના સમ્માનથી આવો જ દેખાવ કરવાનું જાળવી રાખવાની વધારે પ્રેરણા મળી રહે છે, કારણ કે તમારે ક્રિકેટનું સરસ ધોરણ તો જાળવી જ રાખવું પડે અને દેખાવમાં સાતત્યતા લાવતા જ રહેવું પડે.

કોહલીનું નિવેદન. સાંભળો એના જ શબ્દોમાં…

httpss://twitter.com/ICC/status/1087601576154411013