2017-18માં રાજ્યોના GDP ગ્રોથ મામલે બિહાર ટોપ પર

નવી દિલ્હી- સૌથી વધુ વિકાસદર ધરાવતા દેશના રાજયોમાં 17.3 ટકા સાથે બિહાર મેદાન મારી ગયુ છે. બીજો ક્રમ આંધ્રપ્રદેશનો છે જયારે ગુજરાત ત્રીજા નંબરે છે. વિકાસદર, ફુગાવો તથા રાજકોષીય ખાધ મુદે ગુજરાત દેશના ટોપ-ત્રણ રાજયોમાં સામેલ હોવાનું રીપોર્ટમાં જાહેર કરવામાં આવ્યું છે. રેટીંગ એજન્સી ‘ક્રીસીલ’ ના રીપોર્ટ પ્રમાણે ઝારખંડ, કેરળ તથા પંજાબે સૌથી ખરાબ પ્રદર્શન કર્યું છે. રેટિંગ એજન્સીએ ક્રિસિલે એવા 17 રાજ્યોને રેન્કિંગ આપ્યું છે,જે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ડેટા પર આધારિત વિભિન્ન માપદંડો અનુસાર વિશેષ શ્રેણીમાં સમાવેશ નથી થતો. નાનું રાજ્ય હોવાને કારણે ગોવાનો આ રેન્કિંગમાં સમાવેશ નથી કરાયો. નાણાંકીય વર્ષ 2018માં ગુજરાત અને કર્ણાટક વિકાસ, મોંઘવારી અને રાજકોષિય ખાધ મામલે સારુ પ્રદર્શન કરનારા પ્રમુખ ત્રણ રાજ્યોમાં શામેલ છે.

નાણાંકિય વર્ષ 2017-18માં દેશના જીડીપી ગ્રોથમાં નરમાઈનો ટ્રેન્ડ જોવા મળ્યો, જોકે, 17માંથી 12 રાજ્યોમાં વિકાસ દર છેલ્લા પાંચ વર્ષની સરખામણીએ ઉંચો રહ્યો હતો. રિપોર્ટ અનુસાર ઓછી આવક ધરાવતા રાજ્યો ઉંચો વિકાસ દર લાંબા સમય સુધી નથી જાળવી શક્યા, જેના કારણે વ્યક્તિ દિઠ આવકના મામલે ઉંચી આવક ધરાવતા રાજ્યોની સાથે નથી ચાલી શક્યા.

રીપોર્ટ મુજબ ગુજરાતનો વિકાસદર 11.1 ટકા નોંધાયો છે. છુટક મોંઘવારી 2.6 ટકા તથા રાજકોષીય ખાધ 1.7 ટકા જ છે. આ ત્રણેયના સંકલીત વિશ્લેષણના આધારે રેન્કીંગમાં ગુજરાત નંબર વન છે. ગુજરાત કરતા બિહારનો વિકાસદર 11.3 ટકા તથા આંધ્રપ્રદેશનો 11.2 ટકા છે જે વધુ હોવા છતાં ફુગાવો તથા નાણાંકીયખાધને કારણે રેંકીંગમાં પાછળ છે.

સૌથી તળીયે 17માં સ્થાને ઝારખંડ છે. પંજાબનો ક્રમ 16મો છે. ગુજરાતમાં 2013થી2017નો સરેરાશ વિકાસદર 9.9 ટકા હતો તેની સરખામણીએ વધ્યો છે. રીપોર્ટમાં એમ દર્શાવવામાં આવ્યું છે કે ઝડપી વિકાસદર હાંસલ કર્યો હોવા છતાં રોજગારી સર્જનમાં 12 મોટા રાજયો પાછળ છે. 17માંથી 11 રાજયોમાં રોજગારી દર નીચો આવ્યો છે. ગુજરાત, બિહાર તથા હરિયાણામાં રોજગારી વૃદ્ધિ છે. પરંતુ રાજસ્થાન, ઝારખંડ અને મધ્યપ્રદેશ રોજગારી સર્જનમાં તળીયે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]