ટીમ ઇન્ડિયાની વળતી લડતઃ કોહલીએ પૂરા કર્યા 9000 ટેસ્ટ રન

બેંગલુરુઃ ટીમ ઇન્ડિયા બેંગલોર ટેસ્ટમાં શાનદાર વાપસી કરી છે. ટીમ ઇન્ડિયા ત્રીજા દિવસની રમતને અંતે ન્યુ ઝીલેન્ડ સામે 125થી પાછળ છે. ટીમ ઇન્ડિયાએ બીજી ઇનિંગ્સમાં 49 ઓવરોમાં ત્રણ વિકેટે 231 રન બનાવ્યા હતા. સરફરાઝ ખાન હજી 70 રન બનાવીને નોટઆઉટ છે.

કેપ્ટન રોહિત શર્માએ બીજી ઇનિંગ્સમાં અર્ધ સદી ફટકારી હતી. તેણે 63 બોલમાં 52 રન બનાવ્યા હતા. જ્યારે વિરાટ કોહલી 70 રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે જયસ્વાલે બીજી ઇનિંગ્સમાં 35 રન બનાવ્યા હતા.ત્રીજા દિવસે ટીમના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ ન્યુ ઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં જબરદસ્ત રેકોર્ડની યાદીમાં સ્થાન બનાવ્યું છે. તે ટેસ્ટમાં 9000 રન પૂરા કરનાર ભારતનો ચોથો બેટ્સમેન બની ગયો છે. તેની પહેલાં  સુનીલ ગાવસ્કર, સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડ જ આ સીમાચિહ્ન સુધી પહોંચી શક્યા હતા. બેંગલુરુ ટેસ્ટના ત્રીજા દિવસે બીજા દાવમાં વિરાટ કોહલીએ 42મી ઓવરના ચોથા બોલ પર સિંગલ લઈને તેની ટેસ્ટ કારકિર્દીના 9000 રન પૂરા કર્યા.

વિરાટ કોહલીએ ટીમને મુશ્કેલી સમયમાંથી બહાર કાઢી હતી. છે. કોહલીએ યુવા સરફરાઝ ખાન સાથે ઇનિંગની કમાન સંભાળી હતી. બંનેએ ટીમના સ્કોરને 200 રનથી વધુ પહોંચાડ્યો હતો.

વિરાટ કોહલીએ બનાવ્યા 9000 રન

ન્યુ ઝીલેન્ડ સામેની ટેસ્ટમાં  વિરાટ કોહલીને 9000 રન સુધી પહોંચવા માટે 197 ઇનિંગ્સ લાગી હતી. આ પહેલાં ગાવસ્કર, તેંડુલકર અને દ્રવિડે તેના કરતાં ઓછી ઇનિંગ્સમાં આ આંકડો સ્પર્શ્યો હતો.

સચિન તેંડુલકરે 2004માં ઓસ્ટ્રેલિયા સામે સિડની ટેસ્ટમાં 9000 રન પૂરા કર્યા હતા. સચિને 179 ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી, જ્યારે ભૂતપૂર્વ કોચ રાહુલ દ્રવિડે સૌથી ઓછી 176 ઇનિંગ્સ લીધી હતી. તેણે 2006માં કિંગસ્ટન ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ તેની ટેસ્ટ કારકિર્દીના 9000 રન પૂરા કર્યા હતા.