મુંબઈઃ આઈસીસી દ્વારા દર બે વર્ષે યોજવામાં આવતી T20 વર્લ્ડ કપની નવી, 9મી આવૃત્તિ 2024ના જૂન મહિનામાં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાવાની છે. તે માટે ભારતીય ટીમને તૈયાર કરવાનું કાર્ય ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ અત્યારથી આરંભી દીધું છે. ભારતીય ટીમ હાલ સાઉથ આફ્રિકાના પ્રવાસે ગઈ છે. ત્યાં તે ત્રણેય ફોર્મેટમાં – T20I, વન-ડે ઈન્ટરનેશનલ અને ટેસ્ટ શ્રેણીઓ રમવાની છે. તે ઉપરાંત ઈન્ડિયા-A ટીમ પણ ત્રણ મેચ રમવાની છે. આ પ્રવાસમાં ભારતીય ટીમના ખેલાડીઓના દેખાવનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવાની જવાબદારી બે પસંદગીકારને સોંપવામાં આવી છે – એસ.એસ. દાસ અને સલીલ અંકોલા.
આમ, ક્રિકેટ બોર્ડે સાઉથ આફ્રિકાના પ્રવાસમાં ભારતીય ટીમ મેચો જીતે તે ઉપરાંત એમાં સારો દેખાવ કરનાર ખેલાડીઓને 2024ની T20 વર્લ્ડ કપની ટીમમાં માટે પસંદ કરવા ઉપર પણ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. દાસ અને અંકોલા સાઉથ આફ્રિકા સામેની મેચો વખતે ટેલેન્ટેડ ભારતીય ખેલાડીઓને પિછાણશે અને ખેલાડીના સાતત્યપૂર્ણ દેખાવનું મૂલ્યાંકન કરશે.
ભારતીય ટીમ સાઉથ આફ્રિકાના પ્રવાસમાં 3 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો, 3 ODI મેચ અને બે ટેસ્ટ મેચ રમશે. એ દરમિયાન ઈન્ડિયા-A ટીમ પણ ત્રણ મેચ રમશે અને એમાં જ સિલેક્ટરો ખેલાડીઓની ટેલેન્ટ પર નજર રાખશે.