દુર્ગાપુર ગેંગ રેપ કેસ પર CM મમતા બેનર્જીનું ચોંકાવનારું નિવેદન

પશ્ચિમ બંગાળના દુર્ગાપુર ગેંગ રેપ કેસમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, પરંતુ બે હજુ પણ ફરાર છે. દરમિયાન, મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ખૂબ જ વાહિયાત નિવેદન આપ્યું છે. મમતા બેનર્જીએ કહ્યું છે કે છોકરીઓને રાત્રે બહાર જવા દેવી જોઈએ નહીં. બેનર્જીએ કહ્યું કે આ મામલે તેમની સરકારને ઘસડવી એ અન્યાયી છે, કારણ કે મેડિકલ કોલેજ છોકરીની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જવાબદાર છે.

બેનર્જીએ કહ્યું કે ખાસ કરીને છોકરીઓને રાત્રે બહાર જવા દેવી જોઈએ નહીં. તેમણે પોતાનું રક્ષણ પણ કરવું જોઈએ. આ ઘટનાને આઘાતજનક ગણાવતા મમતા બેનર્જીએ કહ્યું કે સંડોવાયેલા લોકોને બક્ષવામાં આવશે નહીં. “આવા ગુનાઓ સામે અમારી શૂન્ય-સહિષ્ણુતાની નીતિ છે. ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, અને પોલીસ અન્યની શોધ કરી રહી છે. કોઈને બક્ષવામાં આવશે નહીં.

તેમણે કહ્યું કે આ એક ખાનગી કોલેજ છે. ત્રણ અઠવાડિયા પહેલા ઓડિશાના એક બીચ પર ત્રણ છોકરીઓ પર બળાત્કાર થયો હતો. ઓડિશા સરકાર ત્યાં શું પગલાં લઈ રહી છે? આ છોકરી એક ખાનગી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી હતી. રાત્રે ૧૨:૩૦ વાગ્યે તે કેવી રીતે બહાર આવી? જ્યાં સુધી મારી જાણકારી છે, આ ઘટના જંગલવાળા વિસ્તારમાં બની હતી. મને ખબર નથી કે ત્યાં શું થયું. કોલેજે છોકરીઓની સુરક્ષા માટે સતર્ક રહેવું જોઈએ અને તેઓએ રાત્રે બહાર ન નીકળવું જોઈએ. આ વિસ્તાર જંગલની નજીક છે. પોલીસ બધાની પૂછપરછ કરી રહી છે. કોઈને પણ છોડવામાં આવશે નહીં. દોષિતોને કડક સજા કરવામાં આવશે.

નોંધનીય છે કે પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં એક ખાનગી મેડિકલ કોલેજની બીજા વર્ષની વિદ્યાર્થિની પર સામૂહિક બળાત્કાર થયો હતો. આ ઘટના શુક્રવારે રાત્રે બની હતી. પીડિતા ઓડિશાના જલેશ્વરની રહેવાસી છે અને દુર્ગાપુરના શોભાપુર વિસ્તારમાં આવેલી એક ખાનગી મેડિકલ કોલેજમાં એમબીબીએસનો અભ્યાસ કરી રહી છે. દુર્ગાપુર ગેંગરેપ કેસના ત્રણેય આરોપીઓને દસ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.