લીજેન્ડ્સ લીગ ક્રિકેટઃ મેદાન પર ગંભીર-શ્રીસાન્તનો ઝઘડો થયો

સુરતઃ ભૂતપૂર્વ ક્રિકેટરોની હાલ લીજેન્ડ્સ લીગ ક્રિકેટ (એલએલસી) સ્પર્ધા રમાય છે. અહીંના લાલભાઈ કોન્ટ્રેક્ટર સ્ટેડિયમમાં ગઈ કાલે ગુજરાત જાયન્ટ્સ અને ઈન્ડિયા કેપિટલ્સ ટીમ વચ્ચે એલએલસી-2 એલિમિનેટર મેચ રમાઈ હતી. એમાં પાર્થિવ પટેલના સુકાનીપદ હેઠળની ગુજરાત જાયન્ટ્સ ટીમના ઓલરાઉન્ડર એસ. શ્રીસાન્ત અને ઈન્ડિયા કેપિટલ્સના કેપ્ટન ગૌતમ ગંભીર વચ્ચે બોલાચાલી થઈ હતી. બંને ખેલાડી એકબીજાને ખીજાતા હતા અને અમ્પાયર તથા અન્ય ખેલાડીઓએ વચ્ચે પડી મામલો શાંત પાડ્યો હતો.

શ્રીસાન્તે બાદમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેણે ગંભીર ઉપર અનેક આક્ષેપો મૂક્યા હતા. એણે કહ્યું, તે એવો વ્યક્તિ છે જે સાથી ખેલાડીઓ સાથે કારણવગર ઝઘડે છે. વીરેન્દર સેહવાગ જેવા વરિષ્ઠ ખેલાડી પણ એનો આદર કરતા નથી. આજે મારી સાથે બન્યું. કોઈ કારણ ન હોવા છતાં એ મને એવું ખરાબ બોલ્યો કે કહેવા જેવું નથી. આ વિવાદમાં મારી કોઈ ભૂલ નહોતી. ગંભીરે શું કર્યું એ બધાયને ખબર છે. એણે ક્રિકેટના મેદાનમાં આવા અપશબ્દ ઉચ્ચારવા ન જોઈએ. મને અને મારા પરિવારજનોને બહુ દુઃખ થયું છે.

ગંભીરે શ્રીસાન્તને શું કહ્યું હતું?

વીડિયોમાં શ્રીસાન્તે ગંભીરને ઉદ્દેશીને ટોણો માર્યો હતો કે, ‘તમે તમારા સાથી ખેલાડીઓનું માન જાળવી શકતા નથી તો લોકોનું પ્રતિનિધિત્વ કરવાનો કોઈ અર્થ નથી… હું એને એક શબ્દ પણ બોલ્યો નહોતો, કોઈ ગાળ આપી નહોતી… તે છતાં એ મને વારંવાર ‘ફિક્સર’, ‘ફિક્સર’, ‘ફિક્સર’ એવું બોલતો હોય છે.’

દરમિયાન, એલએલસીના સંચાલકો ગંભીર-શ્રીસાન્તને સંડોવતા બનાવમાં આચારસંહિતાના ભંગ વિશે આંતરિક તપાસ કરશે. નિયમભંગ સાબિત થશે તો કસુરવાર ખેલાડી સામે પગલું ભરવામાં આવશે.