ટીમ ઇન્ડિયા 462 રનમાં ઓલઆઉટ, NZને 107 રનનો લક્ષ્યાંક

બેંગલુરુઃ ભારત અને ન્યુ ઝીલેન્ડ પ્રથમ ટેસ્ટ મેચ રસપ્રદ તબક્કામાં પહોંચી છે. ભારત બીજા દાવમાં 99.3 ઓવરમાં 462 રનમાં ઓલઆઉટ થયું હતું. ન્યુ ઝીલેન્ડને જીતવા માટે 107 રનનો પડકાર મળ્યો છે. ચોથા દિવસે સરફરાઝ ખાન અને ઋષભ પંતે લડાયક બેટિંગ કરી હતી. સરફરાઝ ખાને 195 બોલમાં 18 ચોક્કા ને ત્રણ સિક્સરની મદદથી 150 રન બનાવ્યા હતા. જ્યારે પંતે 105 બોલમાં નવ ચોક્કા અને પાંચ સિક્સર સાથે 99 રન બનાવ્યા હતા. ત્યાર બાદ અન્ય બેટરો ખાસ કંઈ ક્રીઝ પર ટકી નહોતા શક્યા.

આ પહેલાં ન્યુ ઝીલેન્ડ ક્રિકેટ ટીમ પ્રથમ દાવમાં 402 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. તેણે ભારત સામે 356 રનની લીડ લીધી છે. ન્યુ ઝીલેન્ડ માટે રચિન રવિન્દ્રએ 157 બોલનો સામનો કરીને 134 રન બનાવ્યા હતા. તેણે 13 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. ટીમે 91.3 ઓવરમાં ઓલઆઉટ થતાં 402 રન બનાવ્યા હતા.

ભારત તરફથી રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવે 3-3 વિકેટ લીધી હતી. મોહમ્મદ સિરાજે 2 વિકેટ લીધી હતી. જસપ્રીત બુમરાહ અને રવિચંદ્રન અશ્વિનને એક-એક વિકેટ મળી હતી.

જોકે આ મેચમાં રિષભ પંત ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 2500 રન બનાવનાર ભારતીય વિકેટકીપર બની ગયો છે. તેણે માત્ર 62 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. આ પહેલા આ રેકોર્ડ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને નામે હતો. તેણે 69 ઇનિંગ્સમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. જ્યારે ફારુક એન્જિનિયરે 82 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી.