દુબઈઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યારે પણ ક્રિકેટ મુકાબલો થાય છે ત્યારે લોકોના દિલની ધડકન વધી જાય છે. આજે દુબઈમાં દર્શકોથી ખચાખચ ભરેલા દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં બંને કટ્ટર હરીફ વચ્ચે T20 વર્લ્ડ કપ-2021માં ગ્રુપ-2ની મેચમાં ટકરામણ થવાની છે. સ્પર્ધામાં સુપર-12 રાઉન્ડનો ગઈ કાલથી આરંભ થઈ ગયો છે. ગ્રુપ-1માં, ગઈ કાલે ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને પાંચ-વિકેટથી અને ઈંગ્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝને 6-વિકેટથી પરાજય આપ્યો હતો. એક હકીકત એ છે કે આઈસીસી યોજિત વર્લ્ડ કપ સ્પર્ધાઓમાં (T20 અને 50-ઓવરોની ફોર્મેટની વર્લ્ડ કપ)માં પાકિસ્તાન હજી સુધી ભારતને હરાવી શક્યું નથી.
તો બીજી હકીકત એ છે કે દુબઈના મેદાન પર પાકિસ્તાન છેલ્લી 6 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો લગાતાર જીત્યું છે. તો શું આજે વિરાટ કોહલીના નેતૃત્ત્વવાળી ભારતીય ટીમ પાકિસ્તાનને હરાવીને એની વિજયકૂચનો અંત લાવવામાં સફળ થશે? શું બાબર આઝમના નેતૃત્ત્વવાળી પાકિસ્તાન ટીમ ભારતને હરાવીને વર્લ્ડ કપ સ્પર્ધામાં ભારત પરના વિજયના તેના દુકાળનો અંત લાવવામાં સફળ થશે? આ બે સવાલ સાથે અને મેચના રોમાંચ સાથે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં આજે ભારતીય સમય મુજબ સાંજે 7.30 વાગ્યાથી પડોશીઓ વચ્ચે જંગ શરૂ થશે.
સંભવિત ભારતીય ઈલેવનઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, કે.એલ. રાહુલ, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન અથવા રાહુલ ચાહર, ભૂવનેશ્વર કુમાર અથવા શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ.
સંભવિત પાકિસ્તાન ઈલેવનઃ બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), ફખર ઝમાન, મોહમ્મદ હાફીઝ, શોએબ મલિક અથવા હૈદર અલી, આસીફ અલી, ઈમાદ વસીમ, શાદાબ ખાન, હસન અલી, હેરીસ રઉફ, શાહીન આફરિદી.