શારજાહઃ ભૂતકાળમાં 3 વાર ચેમ્પિયન બની ચૂકેલી ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ આ વખતની આઈપીએલ સ્પર્ધામાં સૌથી નિરાશાજનક દેખાવ કરીને પોઈન્ટ્સ ટેબલમાં તળિયે છે. મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની આ ટીમ અત્યાર સુધીમાં 10 મેચ રમી ચૂકી છે, પણ 7માં પરાજય સાથે પોઈન્ટ્સ ટેબલમાં સાવ છેલ્લા, 8મા ક્રમે છે.
પ્લે-ઓફ્ફમાં સ્થાન મેળવવાનું એનું સપનું લગભગ ચકનાચૂર થઈ ગયું છે, પરંતુ રોયલ ચેલેન્જર્સ બેંગલોરે તેની છેલ્લી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને પરાજય આપતાં એને માટે આશાનું એક કિરણ દેખાયું છે. હવે ચેન્નાઈ ટીમે આજની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમને હરાવવી પડે. મુંબઈ ટીમ ટેબલમાં ત્રીજા સ્થાને છે.
આજની મેચ જ નહીં, પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સે તેની બાકીની બધી – એટલે કે ચારેચાર જીતવી પડે અને સાથોસાથ એવી પ્રાર્થના કરવી પડે કે અન્ય મેચોમાં પરિણામ પોતાની તરફેણમાં આવશે.
હાલની સ્પર્ધામાં ચેન્નાઈ ટીમે મુંબઈ ટીમને બંને વચ્ચેના છેલ્લા મુકાબલામાં પરાજય આપ્યો હતો, પરંતુ એ પછી ધોનીની ટીમ સતત નિરાશાજનક દેખાવ કરતી આવી છે.
અધૂરામાં પૂરું, ટીમનો ધરખમ ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો ઈજાને કારણે સ્પર્ધામાંથી આઉટ થઈ ગયો છે. બેટ્સમેન ફાફ ડુ પ્લેસી સરસ ફોર્મમાં છે, પણ શેન વોટસન, અંબાતી રાયડુ અને ખુદ કેપ્ટન ધોની બેટિંગમાં ઝળકી શક્યા નથી.
બોલરો – દીપક ચાહર, શાર્દુલ ઠાકુર અને જોશ હેઝલવુડ કરકસરભરી બોલિંગ કરી રહ્યા છે, પણ બેટ્સમેનો મોટો સ્કોર ખડો કરતા નથી તેથી લડત આપવામાં બોલરો નિષ્ફળ જાય છે.