મોટેરામાં જાન્યુઆરી-2021માં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ડે-નાઈટ ટેસ્ટ રમાશે

અમદાવાદઃ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભવ્ય સ્વાગત માટે આ વર્ષના ફેબ્રુઆરીમાં યોજાઈ ગયેલા ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમના 11 મહિના પછી – આવતા જાન્યુઆરી મહિનામાં અહીંના મોટેરા સ્થિત નવા બંધાયેલા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ડે-નાઈટ ટેસ્ટ રમાશે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના પ્રમુખ સૌરવ ગાંગુલીએ આ સમાચારને સમર્થન આપ્યું છે.

ગાંગુલીએ કહ્યું છે કે આવતા જાન્યુઆરીમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પિન્ક બોલથી ટેસ્ટ મેચ રમાશે અને તે દિવસ-રાત્રી હશે.

સરદાર પટેલ સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે.

ભારતીય ક્રિકેટ ટીમની આંતરરાષ્ટ્રીય મેચોનો આ વર્ષના ડિસેમ્બરથી ફરી શરૂ થશે, જ્યારે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે.

ત્યારબાદ આવતા વર્ષના આરંભમાં ઈંગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવશે.

કોરોના વાઈરસ મહાબીમારી ફેલાઈ તે પૂર્વે ભારતીય ટીમનો છેલ્લો આંતરરાષ્ટ્રીય પ્રવાસ ન્યૂઝીલેન્ડ ખાતેનો હતો, જ્યાં તે પાંચ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો, 3 વન-ડે ઈન્ટરનેશનલ મેચો અને બે ટેસ્ટ મેચ રમી હતી.

ત્યારબાદ કોરોના રોગચાળો ફેલાવાથી ભારત-સાઉથ આફ્રિકા સિરીઝને મુલતવી રાખી દેવાઈ હતી.

ઈંગ્લેન્ડની ટીમ આવતા વર્ષે જાન્યુઆરી-માર્ચના સમયગાળા દરમિયાન ભારતમાં પાંચ ટેસ્ટ મેચોની સિરીઝ અને વન-ડે મેચોની સિરીઝ રમવાની છે.

સૌરવ ગાંગુલીએ ગઈ કાલે કોલકાતા પ્રેસ ક્લબ ખાતે એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં કહ્યું હતું કે અમદાવાદમાં આવતા વર્ષના આરંભમાં ભારત-ઈંગ્લેન્ડ ડે-નાઈટ ટેસ્ટ મેચ રમાડવામાં આવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]