ચેન્નાઈઃ ભારતીય ક્રિકેટ ટીમનો ઓપનર શુભમન ગિલ ડેન્ગ્યૂ બીમારીમાંથી સાજો થઈ રહ્યો છે. એને ચેન્નાઈની હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવાઈ છે, પણ અમદાવાદમાં આવતા શનિવારે પાકિસ્તાન સામેની વર્લ્ડ કપ મેચમાં એ રમી શકશે કે કેમ તે વિશે શંકા છે.
ગિલના પ્લેટલેટ કાઉન્ટ એક લાખથી નીચે, 70,000 સુધી ઘટી જતાં એને ગયા રવિવારે રાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ગિલ ગયા અઠવાડિયે ટીમના સાથીઓ ભેગો ચેન્નાઈ આવી પહોંચ્યો હતો ત્યારે એને તાવ હતો અને તબીબી ચકાસણી કરાતાં એને ડેન્ગ્યૂ હોવાનું નિદાન થયું હતું. પરિણામે એ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં રમી શક્યો નહોતો.
ડેન્ગ્યૂના તાવને કારણે દર્દીનું શરીર ઘણું જ નબળું પડી જાય છે. દિગ્ગજ એથ્લીટ્સને પણ સંપૂર્ણ રીતે સાજા થતાં સમય લાગે છે. સામાન્ય માનવી માટે પ્લેટલેટની સંખ્યા દોઢ લાખથી લઈને સાડા ચાર લાખની વચ્ચે હોય એ જરૂરી હોય છે.
કેપ્ટન રોહિત શર્માએ કહ્યું છે કે અમારી પ્રાથમિકતા શુભમન એકદમ સાજો થઈ જાય એની છે. એક માનવી તરીકે મને એની તબિયત વિશે ચિંતા થાય છે. નહીં કે એક કેપ્ટન તરીકે, જે એમ ઈચ્છે છે કે શુભમન આવતીકાલે જ રમે. ના, હું ઈચ્છું છું કે એ સાજો થઈ જાય. એ શરીરે તંદુરસ્ત છે એટલે એ ઝડપથી સાજો થઈ જશે.
પસંદગીકારો કદાચ ગિલની જગ્યાએ કોઈ અન્ય ખેલાડીને ટીમમાં સામેલ કરાવે એવી શક્યતા છે. પહેલો વિકલ્પ ઋતુરાજ ગાયકવાડનો છે, જેણે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીની પહેલી મેચમાં હાફ સેન્ચૂરી ફટકારી હતી. જોકે ગાયકવાડની પહેલા ડાબોડી બેટર યશસ્વી જયસ્વાલનું નામ છે, જે હાલ જોરદાર ફોર્મમાં છે.