જામનગરઃ ડાબોડી બોલિંગ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પોતે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો છે એ વિશે એક હિન્દી દૈનિકે પ્રકાશિત કરેલા એક અહેવાલને રદિયો આપ્યો છે. તે દૈનિકે અહેવાલમાં જણાવ્યું હતું કે જાડેજાને એક ઘણી જ ગંભીર ઈજા થઈ છે અને એ માટે એને સર્જરી કરાવવી પડશે. જેને કારણે એ ચારથી છ મહિના ક્રિકેટ રમી નહીં શકે. આને કારણે એ કદાચ ટેસ્ટ ક્રિકેટ રમવાનું છોડી દેશે જેથી મર્યાદિત ઓવરોવાળી ફોર્મેટમાં લાંબો સમય સુધી રમી શકશે. 33 વર્ષીય જાડેજાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર બે ટ્વીટ પોસ્ટ કરીને તે અખબારી અહેવાલને પરોક્ષ રીતે કટાક્ષ કર્યો છે અને પોતે નિવૃત્ત થઈ રહ્યો છે એની અફવાનું ખંડન કર્યું છે. એણે લખ્યું છે કે, ‘નકલી મિત્રો અફવાઓ પર ભરોસો કરે. ખરા મિત્રો તમારી પર ભરોસો કરે.’ બીજા ટ્વીટમાં એણે પોતાનો ફોટો મૂક્યો છે અને કેપ્શનમાં માત્ર એટલું જ લખ્યું છેઃ ‘લોન્ગ વે ટુ ગો (હજી તો ઘણી લાંબી મજલ કાપવાની બાકી છે).’
વિરાટ કોહલીના નેતૃત્ત્વપદ હેઠળની ટેસ્ટ ટીમ મુંબઈથી દક્ષિણ આફ્રિકા જવા રવાના થઈ છે. ત્યાં ત્રણ-મેચની પહેલી ટેસ્ટ 26 ડિસેમ્બરથી શરૂ થશે. જોકે આ સિરીઝને રોહિત શર્મા અને જાડેજા ઈજાને કારણે ચૂકી ગયા છે. રોહિતને ડાબી સાથળનો સ્નાયૂ ખેંચાઈ ગયો છે અને જાડેજાને જમણા હાથમાં ઈજા થઈ છે. ડાબોડી સ્પિનર જાડેજા અત્યાર સુધીમાં 57 ટેસ્ટમાં 232 વિકેટ લઈ ચૂક્યો છે. છેલ્લા કેટલાક વખતથી એ ટેસ્ટ મેચોમાં બેટિંગ પણ સારી કરી રહ્યો છે. એણે કુલ 17 અડધી સદી અને એક સદી સાથે કુલ 2,195 રન કર્યા છે.