દક્ષિણ આફ્રિકામાં ODI-સિરીઝમાં રમવા બાબતે કોહલીની સ્પષ્ટતા

મુંબઈઃ ભારતની ટેસ્ટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ સ્પષ્ટતા કરી છે કે પોતે દક્ષિણ આફ્રિકા સામેના આગામી સંપૂર્ણ પ્રવાસ માટે ઉપલબ્ધ રહેશે. આમાં ત્રણ વન-ડે ઈન્ટરનેશનલ મેચોની સિરીઝનો પણ સમાવેશ થાય છે, જે તેણે કદાચ નવા નિમાયેલા કેપ્ટન રોહિત શર્માના હાથ નીચે રમવાની આવશે. એવી અફવા ઉડી હતી કે કોહલીએ ક્રિકેટ બોર્ડને એમ કહીને રજા માગી હતી કે પોતાને દીકરી વામિકાનાં પ્રથમ જન્મદિવસની પરિવાર સાથે ઉજવણી કરવાની હોવાથી પોતે દક્ષિણ આફ્રિકામાં વન-ડે શ્રેણીમાં રમી નહીં શકે.

પરંતુ ટીમની દક્ષિણ આફ્રિકા ખાતે રવાનગી પૂર્વે અહીં પત્રકારો સાથેની વર્ચ્યુઅલ પરિષદમાં કોહલીએ કહ્યું હતું કે હું તો પહેલેથી જ ઉપલબ્ધ રહ્યો છું. તમે મને આ વિશે સવાલો પૂછશો નહીં. એને બદલે તમારે એ લોકોને અને સૂત્રોને સવાલો પૂછવા જોઈએ જેમણે આવી મનઘડંત વાતો ફેલાવી છે. જે લોકો આવું (અફવા) લખે છે એ ભરોસાપાત્ર નથી. હું તો વન-ડે ઈન્ટરનેશનલ મેચો રમવા કાયમ આતુર રહું છું.

પોતાને વન-ડે ટીમના કેપ્ટન પદેથી દૂર કર્યો એને કારણે તે ક્રિકેટ બોર્ડથી નારાજ છે એવા અહેવાલોને પણ કોહલીએ રદિયો આપ્યો છે. ચીફ સિલેક્ટરે તો મારી સાથે માત્ર ટેસ્ટ ટીમ વિશે જ ચર્ચા કરી હતી. ફોન પરની વાતચીતનો અંત લાવતા પહેલાં સિલેક્ટરોએ મને કહ્યું હતું કે હું વન-ડે ટીમનો કેપ્ટન નહીં હોઉં. તો મેં કહ્યું કે કંઈ વાંધો નહીં. જોકે આ વિશે અગાઉ કોઈ પ્રકારની ચર્ચા થઈ નહોતી.

કોહલીએ પત્રકારો સાથેની વાતચીતમાં એ પણ ખુલાસો કર્યો કે પોતાને રોહિત શર્મા સાથે કોઈ પ્રકારનો ખટરાગ કે અણબનાવ નથી. હું તો આ સ્પષ્ટતા બે વર્ષથી કરી રહ્યો છું. એ કરી-કરીને હું તો થાકી ગયો છું.

ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકામાં ત્રણ ટેસ્ટ મેચ અને ત્રણ વન-ડે ઈન્ટરનેશનલ મેચોની સિરીઝ રમશે. પહેલી ટેસ્ટ મેચ 26 ડિસેમ્બરથી સેન્ચુરિયનમાં રમાશે.