ક્રિકેટ કોચ રવિ શાસ્ત્રીએ અમદાવાદમાં કોરોના-રસી લીધી

અમદાવાદઃ ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીએ આજે અહીં એપોલો હોસ્પિટલમાં જઈને કોરોના વાઈરસ-વિરોધી રસીનો પોતાનો પહેલો ડોઝ લીધો હતો. તેમણે આ જાણકારી અને પોતાની તસવીર ટ્વિટર હેન્ડલ પર મૂકી છે. હાલ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ રમતી ભારતીય ટીમના કોચ તરીકે શાસ્ત્રી અમદાવાદ આવ્યા છે. ભારત અને ઈંગ્લેન્ડ 4 માર્ચથી અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સિરીઝની ચોથી અને આખરી ટેસ્ટ મેચ રમશે. વિરાટ કોહલી અને એની ટીમ સિરીઝમાં હાલ 2-1થી આગળ છે.

58-વર્ષીય શાસ્ત્રીએ તસવીર સાથે લખ્યું છે કે, મેં કોવિડ-19 રસીનો પહેલો ડોઝ લીધો છે. રોગચાળા સામે ભારતને સશક્ત બનાવવા બદલ કુશળ તબીબી વ્યવસાયિકો અને વૈજ્ઞાનિકોનો આભાર. અમદાવાદની એપોલો હોસ્પિટલ ખાતે કોવિડ-19 રસી મૂકવામાં કાંતાબેન અને એમની ટીમના સભ્યોએ બતાવેલા વ્યાવસાયિકપણાથી હું અત્યંત પ્રભાવિત થયો છું.

(તસવીર સૌજન્યઃ @RaviShastri)