ઘરઆંગણે ટીમ ઈન્ડિયાનો લગાતાર 15મો ટેસ્ટશ્રેણી વિજય

બેંગલુરુઃ અહીંના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે આજે ભારતે શ્રીલંકાને બીજી અને શ્રેણીની આખરી ટેસ્ટ મેચમાં 238 રનના તફાવતથી હરાવીને શ્રેણી 2-0થી જીતી લીધી છે. આ પિંક-બોલ (ડે-નાઈટ) ટેસ્ટ મેચ જીતવા માટે શ્રીલંકા સામે 446 રનનો પડકાર હતો, પણ ટીમ આજે મેચના ત્રીજા દિવસે એના બીજા દાવમાં 208 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે દિમુથ કરુણારત્નેના સુકાનીપદ હેઠળની શ્રીલંકા ટીમને મોહાલીમાં પહેલી ટેસ્ટ મેચમાં પણ ત્રણ દિવસમાં હરાવી હતી. બીજા દાવમાં ઓપનર કરુણારત્નેએ સદી ફટકારી હતી (107 રન), પણ એની ટીમ જીતના ટાર્ગેટથી જોજન દૂર રહી ગઈ હતી. ઓફ્ફ સ્પિનર અશ્વિને ચાર વિકેટ લીધી તો ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે ત્રણ, ડાબોડી સ્પિનરો અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજાએ અનુક્રમે બે અને એક વિકેટ લીધી.

શ્રેયસ ઐયરને પ્લેયર ઓફ ધ મેચ અને વિકેટકીપર રિષભ પંતને પ્લેયર ઓફ ધ સીરિઝ ઘોષિત કરવામાં આવ્યો હતો. ભારતે ઘરઆંગણે આ લગાતાર 15મો ટેસ્ટ શ્રેણી વિજય હાંસલ કર્યો છે. છેલ્લે, 2012માં, ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે હારી હતી. ત્યારપછી તે એકેય શ્રેણી હારી નથી.