મુઝફ્ફરપુરઃ બિહારના મુઝફ્ફરપુરમાં ગુરુવારે વહેલી સવારે એક ખાનગી હોસ્પિટલમાં ભીષણ આગ લાગી હતી. આગની ઘટના પ્રસાદ હોસ્પિટલના પાંચમા માળે આવેલા ICUમાં બની હતી. જેને કારણે ICUમાં ધુમાડો ફેલાયો હતો. ICUમાંથી 20 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમને નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અગ્નિશામક વિભાગને સવારે 3:55 વાગ્યે આગ લાગ્યાની જાણ કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અત્યાર સુધી ચાર લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે.
શોર્ટ સર્કિટને કારણે લાગી આગ
મુઝફ્ફરપુર અગ્નિશામક વિભાગના અધિકારી રામ નિવાસ પાંડે જણાવ્યું હતું કે અમે ICUમાંથી 15થી 20 દર્દીઓને બચાવ્યા હતા, જેમાંથી બે લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. બાકીના દર્દીઓને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાથમિક અહેવાલો મુજબ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
દર્દીઓને લઈને ભાગ્યા પરિવારજનો
પરિવારજનોના જણાવ્યાનુસાર હોસ્પિટલમાં ફાયર કન્ટ્રોલ સિસ્ટમ કાર્યરત નહોતી. આગ લાગ્યાની જાણ થતાં જ હોસ્પિટલમાં અફરાતફરી મચી ગઈ હતી. દર્દીઓ અને તેમના પરિવારજનો જીવ બચાવવા માટે કોઈક રીતે હોસ્પિટલની બહાર નીકળી ગયા હતા. જોકે ICU વોર્ડમાં દાખલ દર્દીઓ માટે આ દુર્ઘટના અત્યંત ભયાનક સાબિત થઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ ગૂંગળામણ (ધુમાડાને કારણે શ્વાસ રૂંધાવાથી) અનેક દર્દીઓનાં મોત થયાં હતાં.

મુખ્ય મંત્રી સમ્રાટ ચૌધરીએ મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. બિહારના મુખ્ય મંત્રીએ X પર લખ્યું હતું કે મુઝફ્ફરપુરની એક ખાનગી હોસ્પિટલમાં આગ લાગવાને કારણે ચાર લોકોનાં મોત થવાની ઘટના અત્યંત દુઃખદ છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદનાઓ છે. ઈશ્વર દિવંગત આત્માઓને શાંતિ આપે અને તેમના પરિવારજનોને આ કપરા સમયમાં શક્તિ અને ધૈર્ય પ્રદાન કરે. મૃતકોના પરિવારજનોને તાત્કાલિક 4-4 લાખ રૂપિયાનું અનુગ્રહ અનુદાન આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.






