ટોકિયોઃ આ વર્ષે નિર્ધારિત ટોકિયો ઓલિમ્પિક્સના આયોજકોએ તમામ દેશોના એથ્લીટ્સ અને અધિકારીઓ માટે કડક સૂચનાઓ બહાર પાડી છે. તેમને કહેવામાં આવ્યું છે કે તેમણે ટોકિયોમાં આયોજકોની પરવાનગી વગર જાહેર પરિવહન સાધનોનો ઉપયોગ કરવો નહીં. વધુમાં, ઓલિમ્પિક રમતોત્સવ ચાલે ત્યાં સુધી તેમણે ફેસ માસ્ક પહેરી રાખવા, માત્ર જમતી વખતે અને સૂતી વખતે જ કાઢવા. આયોજકોએ કોવિડ-19 માટે લેવામાં આવેલા પગલાંઓ વિશેની પ્લેબૂક આજે બહાર પાડી છે.
આ પ્લેબૂકમાં દર્શકો-પ્રશંસકોને પણ ચેતવણી આપવામાં આવી છે કે તેમણે એથ્લીટ્સને પ્રોત્સાહિત કરવા માટે કે એમનું સમર્થન કરવા માટે ગીતો ગાવા નહીં કે નારા-સૂત્રો પોકારવા નહીં. અન્ય દેશોની જેમ જાપાનમાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. આ રોગચાળાએ અત્યાર સુધીમાં 6,000થી વધુ લોકોનો ભોગ લીધો છે. તેણે બિનનિવાસી વિદેશીઓ માટે પોતાની સરહદો બંધ કરી છે અને દેશના કેટલાક ભાગોમાં ઈમરજન્સી ઘોષિત કરી છે.