રાહતઃ ચેન્નાઈમાં ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટમાં વરસાદ નહીં નડે

ચેન્નાઈઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આવતીકાલથી અહીંના એમ.એ. ચિદમ્બરમ અથવા ચેપોક સ્ટેડિયમ ખાતે ચાર-મેચની સિરીઝની પહેલી ટેસ્ટ મેચ રમાશે. રાહતના સમાચાર એ છે કે ચેન્નાઈમાં વરસાદ પડવાની કોઈ સંભાવના નથી. તેથી પાંચેય દિવસ રોમાંચક ક્રિકેટ જોવા મળશે એ પાકું છે. ચેપોક મેદાન પર બે ટેસ્ટ મેચ રમાશે અને ત્યારબાદ બંને ટીમ અમદાવાદ જશે, જ્યાં દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એવા સરદાર પટેલ અથવા મોટેરા સ્ટેડિયમ ખાતે બાકીની બે ટેસ્ટ મેચ રમાશે.

ભારત અને ઈંગ્લેન્ડ, બંને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં સ્થાન મેળવવા માટે બાખડી રહ્યા છે, જે મેચ આ વર્ષના જૂનમાં લોર્ડ્સમાં રમાવાની છે. હવામાનની આગાહી કરતી વેબસાઈટ એક્યૂવેધરના જણાવ્યા મુજબ, ચેન્નાઈમાં આવતીકાલથી પાંચ દિવસ સુધી સૂર્ય ઝળકતો રહેશે. વરસાદ પડવાની શક્યતા નહીંવત્ છે. દિવસનું તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ જેટલું રહેશે. મેચ સવારે 9.30 વાગ્યાથી શરૂ થશે. ઈંગ્લેન્ડની ટીમ 1985ની સાલથી આ મેદાન પર એકેય ટેસ્ટ મેચ જીતી શકી નથી. ભારત છેલ્લે 1999માં આ મેદાન પર ટેસ્ટ મેચ હાર્યું હતું, પાકિસ્તાન સામે.

બંને ટીમ આ મુજબ છેઃ

ભારતઃ શુભમન ગિલ, રોહિત શર્મા, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, રિષભ પંત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, વોશિંગ્ટન સુંદર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને ઈશાંત શર્મા.

ઈંગ્લેન્ડઃ ઝેક ક્રોવલી અથવા ઓલી પોપ, ડોમિનીક સિબ્લે, બેન ફોક્સ, જો રૂટ (કેપ્ટન), બેન સ્ટોક્સ, જોસ બટલર (વિકેટકીપર), સેમ કરન, ડોમિનીક બેસ, જેક લીચ, માર્ક વૂડ અથવા જોફ્રા આર્ચર અને જેમ્સ એન્ડરસન.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]