છ-મનપાના ભાજપના ઉમેદવારોની તબક્કાવાર જાહેરાત કરાશેઃ પાટિલ

અમદાવાદઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપે છ મહાનગરપાલિકા માટેના ઉમેદવારોનાં નામોની જાહેરાત કરી છે. ભાજપ પ્રદેશપ્રમુખ સી. આર. પાટિલે આ ઉમેદવારોનાં નામ જાહેર કરવા બાબતે પત્રકાર પરિષદમાં કરી હતી. તેમણે સંવાદદાતાઓને જણાવ્યું હતું કે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પારદર્શક રીતે કરવામાં આવી છે. પાર્લમેન્ટરી બોર્ડ સાથે વિચારવિમર્શ કર્યા પછી ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવી છે.

પ્રદેશપ્રમુખે કહ્યું હતું કે જે 576 ઉમેદવારોની યાદી ઇ-મેઇલથી તબક્કાવાર સાંજ સુધીમાં જાહેર કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે સૌપ્રથમ જામનગરની યાદી જાહેર કરવામાં આવશે. તમામ ભૂતપૂર્વ મેયરોને ટિકિટ આપવામાંથી બાકાત રાખવામાં આવ્યા છે.  આ ઉમેદવારોમાં 50 ટકા પુરુષોને અને 50 ટકા મહિલાઓની પસંદગી કરવામાં આવી છે અને જે ઉમેદવારો પસંદ કરવામાં આવ્યા છે, તેમની વય 60થી નીચેની છે. જે કોર્પોરેટો ત્રણ વાર ચૂંટાઈ આવ્યા છે, તેમને આ વખતે ટિકિટ આપવામાં નથી આવી. વળી જે ઉમેદવારોની પંસદગી કરવામાં આવી છે, એને વડા પ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને મોકલવામાં આવી છે.

ભાજપના પ્રદેશ કક્ષાના વર્તુળોના જણાવ્યા અનુસાર રાજ્યની છ મ્યુનિસિપલ કોર્પોરેશનની કુલ 576 બેઠકો પૈકી પાર્ટીએ 500 પ્લસ બેઠકોનો ટાર્ગેટ રાખ્યો છે. જો ટાર્ગેટ પ્રમાણે બેઠકો મળશે તો વિપક્ષનું સ્થાન નહીંવત થઇ જવાની સંભાવના છે. સ્થાનિક ચૂંટણીનાં પરિણામો પરથી વિધાનસભાની 2022ની ચૂંટણીનું ભાવિ નક્કી થશે તેવું પાર્ટીના એક સિનિયર નેતાએ કહ્યું છે.