હું વિના-શરતે કોંગ્રેસમાં જોડાવા તૈયારઃ શંકરસિંહ વાઘેલા

અમદાવાદઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા શંકરસિંહ બાપુ ફરીથી કોંગ્રેસમાં જોડાવાની અટકળો તેજ બની છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી સાથે શંકરસિંહ વાઘેલાએ બેઠક કરી હોવાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે કોંગ્રેસના અનેક આગેવાનો મને આવકારવા તૈયાર છે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી આમંત્રણ આપશે તો દિલ્હી જઈશ. તેમણે એમ પણ કહ્યું હતું કે કોંગ્રેસમાં જોડાવા માટે મારી કોઈ શરત નથી.

જોકે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહે જણાવ્યું હતું કે આ વિશે શંકરસિંહજી જાતે જ કંઈક કહી શકે. અમારી પાસે આવી કોઈ માહિતી નથી. શંકરસિંહ કોંગ્રેસમાં આવતા હોય તો તેમનો વિષય છે. આવી કોઈ વાત આવશે તો હાઇ કમાન્ડ વિચાર કરશે. હાઇ કમાન્ડ જે નિર્ણય કરશે  બધાને માન્ય રહેશે. આવી કોઈ પ્રપોઝલ ગુજરાત કોંગ્રેસ પાસે આવી નથી.

શંકરસિંહ વાઘેલાએ વર્ષ 2017માં કોંગ્રેસનો સાથ છોડી દીધો હતો. શંકરસિંહ વાઘેલાએ પોતાના 77માં જન્મદિવસ પર કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો. તેમણે કહ્યું હતું કે તેઓ કોંગ્રેસ મુક્ત થયા છે અને હવે કોઈ પક્ષમાં જોડાવાના નથી. સક્રિય રાજકારણથી મુક્ત થવાની વાત કહી હતી.

બાપુ માટે કોંગ્રેસમાં અહેમદ પટેલના કારણે સમસ્યા સર્જાઈ હતી તેવી પણ એક તબક્કે ચર્ચા હતી ત્યારે હવે અહેમદ પટેલ નથી ત્યારે જો બાપુ કોંગ્રેસમાં જોડાય તો શું બાપુ કોંગ્રેસના નવા ચાણક્ય બની શકે? જોકે  આ તમામ ગતિવિધિઓ પર રાજકીય ગરમાટો આવી રહ્યો છે.  બાપુના કોંગ્રેસમાં પુનઃપ્રવેશથી કોંગ્રેસને ફાયદો થવાની સંભાવના છે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]