ચૂંટણીમાં ટિકિટ વહેંચણી મુદ્દે ભાજપમાં ઠેર-ઠેર આક્રોશ

અમદાવાદઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લીધે રાજકારણમાં ભારે ગરમાટો આવ્યો છે. ભાજપે 6 મહાનગરપાલિકામાં ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી હતી. રાજ્યમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો જાહેર થતાં જ રાજકોટ, સુરત, વડોદરામાં વિરોધનું વાતાવરણ શરૂ થયા બાદ અમદાવાદમાં પણ અસંતુષ્ટો ઊભા થયા હતા અને કેટલાકને ટિકિટ ફાળવવાના મુદ્દે અને કેટલાકને ન ફાળવવાના મુદ્દે શહેર ભાજપ કાર્યાલયમાં વિરોધ વ્યક્ત કરવા પહોંચ્યા હતા.

સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપની ટિકિટ જાહેર કર્યાના બીજા દિવસે સતત હોબાળો જોવા મળી રહ્યો છે. નારાજ કાર્યકરોએ ભાજપની ઓફિસ પર વિરોધ-પ્રદર્શન કરતાં દરવાજા બંધ કરીને પોલીસ બોલાવવી પડી છે.

શહેરના વાસણા, નારણપુરા, ગોતા, ચાંદખેડા, સરદારનગર સહિતના વોર્ડમાં કાર્યકરોએ ભારે વિરોધ કર્યો છે. ચાંદખેડાના કાર્યકરો મહિલા ઉમેદવાર પ્રતિમા સક્સેના સામે વિરોધ કરવા ખાનપુર કાર્યાલય પહોંચ્યા હતા. અહીં આઇકે જાડેજાને આવેદનપત્ર આપી ચીમકી ઉચ્ચારી હતી કે શુક્રવારે બપોરે 12 કલાક ઉમેદવાર નહીં બદલાય તો 500 કાર્યકરો રાજીનામાં આપી દેશે.

સરદારનગર વોર્ડમાં પણ નારાજ કાર્યકરો ખાનપુર કાર્યાલય પહોંચ્યા હતા. જ્યારે વાસણામાં આયાતી ઉમેદવાર સામે વિરોધ થયો હતો. ગોતામાં પણ ભાજપના કાર્યકરોએ હાય-હાયના નારા બોલાવ્યા હતા.
કાંકરિયામાં જુલાઈ, 2019માં રાઇડ તૂટી પડવાનો અકસ્માત થયો હતો, જેમાં જવાબદાર અને રાઇડનો કોન્ટ્રેક્ટ ધરાવતા ઘનશ્યામ પટેલના ભાઈ મહેન્દ્ર પટેલને અમરાઈવાડીથી ટિકિટ આપવામાં આવતાં વિવાદ સર્જાયો છે અને જેનો સ્થાનિક કાર્યકરોએ પણ વિરોધ નોંધાવ્યો છે..

અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડના કુલ 192 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપના તમામ ઉમેદવારો આજે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે. ફોર્મ ભરવાનો આવતી કાલે અંતિમ દિવસ છે.

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]