RBIએ વ્યાજદર યથાવત્ રાખ્યા : 10.5%ના GDP-ગ્રોથનો અંદાજ

નવી દિલ્હીઃ રિઝર્વ બેન્કની ધિરાણ નીતિની સમિતિ (MPC)ની દ્વિવાર્ષિક બેઠકમાં સતત ચોથી વાર રેપો રેટ ચાર ટકાએ યથાવત્ રાખવામાં આવ્યો છે. એમપીસીના બધા સભ્યોએ એકમતે વ્યાજદરોમાં બદલાવ નહીં કરવાનો નિર્ણય કર્યો હતો.  રિવર્સ રેપો રેટને પણ 3.35 ટકાએ ટકેલો રહેશે. આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસે નાણાં વર્ષ 2021-22માં જીડીપી ગ્રોથ રેટ 10.5 ટકાનો અંદાજ વ્યક્ત  કર્યો છે. ચાલુ નાણાકીય વર્ષમાં ચોથા ત્રિમાસિક ગાળામાં છૂટક મોંઘવારી દર સુધારીને 5.2 ટકા રાખવામાં આવ્યો છે. રેપો રેટ યથાવત્ રાખવામાં આવતાં હોમ લોન સહિત અન્ય બધી લોનો પરના વ્યાજદરમાં ઘટાડો નહીં થાય. જેથી હોમ લોનધારકોના EMI નહીં ઘટે.

રિઝર્વ બેન્કની એમપીસીએ દેશમાં કોરોનાના રસીકરણને લીધે ગ્રોથનો અંદાજ પહેલાંના સ્તરે જાળવી રાખ્યો છે. જોકે બેન્કે આવતા નાણાકીય વર્ષમાં જીડીપી ગ્રોથનો અંદાજ 10.5 ટકાથી વધુ રાખ્યો છે. જોકે આર્થિક સર્વેમાં એને 11 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

વર્ષ 2021-22ના પ્રથમ ત્રિમાસિકમાંમ મોંઘવારી દર 5.2-5.5 ટકા રહેવાનો અંદાજ છે. રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું ખરીફની બંપર ઊપજથી મોંઘવારીનો દર આવનારા સમયમાં નિયંત્રણમાં રહેશે.  તેમણે કહ્યું હતું કે સરકારે બજેટમાં મોટા પાસે બજારમાં નાણાં ઊભા કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે પહેલા ત્રિમાસિક ગાળામાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનું કેપિટલ યુટિલાઇઝેશન 47.3 ટકા હતું, જે બીજા ત્રિમાસિકમાં 63.3 ટકા હતું.

રિઝર્વ બેન્કની ધિરાણ નીતિના નિર્ણયને દિવસે શેરબજારમાં રેકોર્ડ તેજી જોવા મળી હતી. સેન્સેક્સ સવારના ટ્રેડિંગ સેશનમાં પહેલી વાર 51,000ની સપાટી વટાવી હતી તો નિફ્ટીએ પણ 15,000ની સપાટી સર કરી હતી.